ઈન્સેપ્શન ! આ શબ્દનો અર્થ છે "કશાકનું સર્જન કે શરૂઆત"...હિન્દીમાં "ઈજાદ"...
તમે તમારા સપનાઓને કેટલા સીરીયસલી લો છો?આ ફિલ્મ જોયા પછી જો કે તમે સ્વપ્નો વિષે સીરીયસલી વિચારતાં થઈ જશો ખરા.આ ફિલ્મમાં વાત છે વિચારો ચોરવાની...સપનામાં ઘૂસીને વિચારો ચોરવાની ! જો તમે "મેટ્રીક્સ" જોયું હોય તો આ ફિલ્મ સમજવામાં તમને ઓછી તકલીફ પડશે.અહીં એક એવી દુનિયા બતાવવામાં આવી છે જેમાં એકસાથે ઘણાં બધાં લોકો કોઈક દવા લઈને એકબીજાને કોઈક પ્રકારની આધુનિક ટેકનોલોજી વડે "કનેક્ટ" કે "નેટવર્કીંગ" કરીને સૂઈ જાય છે.આ બધા લોકોમાંથી કોઈક એક ના અંતર્મન(consience) માં એટલે કે એના સ્વપ્નમાં બધાં ભેગા થઈ શકે છે.હવે આ બધાં લોકોમાંથી જો કોઈ એકને જબરજસ્તીથી પેલી "લાંબા ઘેન"ની દવા પીવડાવીને "કનેક્ટ" કરવામાં આવે,તો એના અંતર્મનના ઊંડાણમાં પડેલા સીક્રેટ્સ ચોરી શકાય છે !આ લાગે છે એના કરતાં ઘણું અઘરું છે.સ્વપ્નમાં ઘૂસવાના કેટલાક નિતીનિયમો છે,જેનું ઊલ્લંઘન થાય તો વ્યક્તિ લાંબા "કોમા"માં પણ જઈ શકે છે !
પણ આ તો કોઈકના વિચારો ચોરવાની વાત થઈ...તો પછી ફિલ્મનું નામ "ઈન્સેપ્શન" શા માટે છે?એ એટલા માટે કે આવી રીતે કોઈકના અંતર્મનમાં ઘૂસીને ધમાલ કરવામાં માહેર એવા ફિલ્મના હીરો "ડોમ કોબ" ને અમુક કારણોસર એવું મિશન હાથમાં લેવું પડે છે જેમાં એક વ્યક્તિના અંતર્મનમાંથી કોઈ વિચાર ચોરવાનો નથી...પણ એક વિચાર રોપવાનો છે ! હવે આ કામ અશક્ય હોવાનો સૌનો દાવો છે,પણ "કોબ"(લિયોનાર્દો ડી’કાપ્રિયો) એવો દાવો કરે છે કે "આ કામ અશક્ય નથી,માત્ર મુશ્કેલ છે...અને હું આ કામ કરી ચૂક્યો છું !!!".અને અહીંથી ફિલ્મની ખરી સ્ટોરી શરૂ થાય છે.એક બિમાર ઊદ્યોગપતિ મૄત્યુના નજીક છે,ત્યારે એનો કટ્ટર દુશ્મન એવો બીજો એક ઊદ્યોગપતિ "કોબ" ને બિમાર ઊદ્યોગપતિના પુત્રના અંતર્મનમાં એવો વિચાર "ઈન્સેપ્ટ" કરવાનું કહે છે કે ’એને એના પિતાની કંપની વિખેરી નાંખવી છે’ ! આ દરમ્યાન એને એવું જ લાગવું જોઈએ કે વિચાર એના પોતાનો જ છે,કોઈએ રોપેલો કે "ઈન્સેપ્ટ કરેલો" નથી !
આ કામ કોબ પોતાની ટીમ સાથે કેવી રીતે કરે છે?અંતર્મન કે સ્વપ્નમાં ઘૂસણખોરી કર્યા પછી ક્યા કાયદાઓનું પાલન કરવું પડે છે? અંતર્મનમાં કોઈ મરી જાય તો શું થાય?ત્યાં વાગે તો શું થાય ? અંતર્મનમાં મૄત્યુ છતાં જો હકીકતમાં સૂઈ રહેલા વ્યક્તિની ઊઘ ના ઊડે તો શું થાય ? વગેરે પ્રશ્નોના જવાબ જાણવા ફિલ્મ જોવી પડે !
હિન્દીમાં આ ફિલ્મ "ચક્રવ્યૂહ" નામે રીલીઝ થઈ છે ! અને એ નામને સાર્થક કરે એવી આંટીઘૂંટીઓ ફિલ્મમાં છે.મગજ ચકરાવે ચડી જાય એવા કેટલાક દ્રશ્યો છે.સપનાંઓના એક નહીં...બે નહીં...ચાર ચાર લેવલ છે.(બે લેવલ એટલે સપનામાં સપનું...ત્રણ એટલે સપનામાં ચાલી રહેલા સપનામાં ફરી ત્રીજું સપનું...).હવે તમે જ વિચારો,જો ફિલ્મ દરમ્યાન પોપકોર્ન ખાવામાં ધ્યાન હટ્યું,તો પછીની આખી ફિલ્મમાં કંઈ જ ખબર જ ના પડે !
એક્ટીંગ તો બધાની સુપર્બ જ છે...પણ ફિલ્મની ખરી હીરો એની સ્ટોરી છે ! એવા જકડાઈ જઈએ કે બહારની દુનિયાને ભૂલીને જાણે આપણે ફિલ્મના સ્વપ્નમાં જાણે ખોવાઈ જઈએ છીએ !!! "ધ ડાર્ક નાઈટ" જેવી સુપર્બ ફિલ્મ આપનાર ક્રિસ્ટોફર નોલાન માટે આ ફિલ્મ જોયા પછી ખરેખર માન થઈ ગયું.આટલી જટીલ સ્ટોરીને એમણે કેટલી સરળતાથી કંડારી છે.પોતાની ટીમમાં નવી સામેલ થયેલી આર્કીટે્ક્ટ છોકરીને અંતર્મનમાં ઘૂસ્યા પછીની દુનિયા અને એમાં ઘૂસનાર વ્યક્તિને મળતી શક્તિઓ અને એમાં પાળવા પડતા અમુક નિતીનિયમો સમજાવતા કોબ(લિયોનાર્દો) નો સીન આફરીન પોકારી જવાય એવી રીતે રચવામાં આવ્યો છે ! "મેમેન્ટો","ધ પ્રેસ્ટીજ " અને "ડાર્ક નાઈટ" જેવી સુપરહીટ ડાર્ક ફિલ્મો આપનાર ક્રિસ્ટોફર નોલાન જાણે પોતાના છેલ્લા સર્જનને ભૂલાવી દે એવું જ નવું સર્જન કરવાની ટેક લઈને બેઠા છે.સમજવા માટે પ્રયાસ કરવો પડે એવી ફિલ્મ ! અને સમજ ના પડે તો પણ પૈસા વસૂલ થઈ જાય એવા દ્રશ્યો...એક ફિલ્મ રસિકને આનાથી વધુ શું જોઈએ???
IMDB(Internet Movie DataBase) નામની સ્ટાન્ડર્ડ ફિલ્મ રીવ્યૂ એન્ડ રેટીંગ સાઈટે આ ફિલ્મને ૯.૨ સ્ટાર આપ્યા છે !આ સાઈટનું ટોપ ૨૫૦નું લિસ્ટ ઘણું જ સ્ટાન્ડર્ડ ગણાય છે.આ લિસ્ટમાં "ઈન્સેપ્શન" રીલઝ થતાંની સાથે જ ત્રીજા રેન્ક પર પહોંચી ગઈ છે ! અંગ્રેજી ફિલ્મજગતમાં આ ઘણી જ મોટી ઘટના કહેવાય.IMDB ટોપ ટેન એટલે ઓસ્કાર્સની વણઝાર...
આ ફિલ્મ જોવી એ હવે દરેક હોલીવૂડ ફ્રીક મૂવિ લવર માટે અનિવાર્ય બન્યું ગણાય...
1 comment:
Planning for this movie.
Nice Blog.
Madhav
www.iharshad.wordpress.com
Post a Comment