30.3.09
શિયાળ અને કાગડો .....ન્યુ વર્સન
આમ પણ ભાદરવો મહિનો આવે ત્યારે અમારે કાગડાઓને પાર્ટીઓ જ ચાલતી હોય છે...લોકો આખું વરસ અમારો કા...કા...નો અવાજ સાંભળીને મોઢું બગાડે...પણ ભાદરવામાં ખબર નહી કેમ એમને અમારા પર આટલું વહાલ આવે છે...!?સડેલી રોટલીય ક્યારેય ના નાંખે...પણ ભાદરવામાં દૂધપાક ને પૂરી ખવડાવે છે મારા બેટા...!
હશે...માણસજાતને સમજવામાં હું મારી પૂરીની લિજ્જત શા માટે બગાડું?મેં ચાંચમાંની પૂરીને ડાળ પર મૂકીને એને બે ઘડી જોઈ...કેટલી મસ્ત ગોળ ગોળ હતી....વળી સુગંધ પણ જોરદાર પાછી હોં...! પણ હવે મારી ચાંચને એનાથી દૂર રાખવી અસહ્ય લાગી...અને મેં પહેલો કોળીયો ભરવા ચાંચ ખોલી...
અમારા કાગડાઓમાં કહેવત છે કે વરસાદ અને શિયાળ ક્યારેય નોટીસ આપીને નથી આવતા...મારી ચાંચ સાથે એ પૂરીનો સંગમ થાય એ પહેલાં જ મને એક ખૂશામતિયો અવાજ સંભળાયો,"કેમ છો કાગરાજ?આજકાલ કંઈ સમાચાર નથી તમારા?".મારું બેટું વાત તો એવી રીતે કરે છે જાણે અમે બે લંગોટીયા યાર હોઈએ.હારું જનમ-જનમનું દુશ્મન !! ઈતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઈ કાગડાના હાથમાં(સૉરી...ચાંચમાં) પૂરી આવી છે ત્યારે ત્યારે આ શિયાળીયાની જાતે એ પૂરી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે...(અને મારી મમ્મી કે’તી’તી કે ઘણે અંશે પૂરી છીનવી લેવામાં શિયાળ સફળ પણ રહ્યું છે...).
"એકદમ મજામાં છું શિયાળભાઈ...તમે કેમ છો?"-મેં કમને જવાબ આપ્યો.શું કરીયે?દુનિયાની રીતરસમો તો જાળવવી પડેને?એનેય ખબર પડે મારી વિનમ્રતાની.
"હું ય મજામાં છું દોસ્ત..."-એણે એ જ ચાપલુસીભર્યા અવાજમાં કહ્યું."શું વાત છે?આજે લીમડાની ડાળ પર?લાગે છે ભાદરવાની પૂરી આવી છે આજે,કેમ?"-હારો નાલાયક...પાછો દોસ્ત કહે છે...
"હા ભાઈ...અમારે વરસે એકવાર આ ભાદરવામાં પૂરીઓ ખાવા મળે છે...પણ જોજો પાછા કાયમ કરો છો એવું કાંઈ કરવાનું વિચારતાં...આજે પૂરી ખાવા નહી મળે તમને હં કે !"-મેં અવાજમાં કડવાશ ના આવે એ માટેનો વ્યર્થ પ્રયત્ન કર્યો."કેમ કે હું તો ભણેલો છું...વિધ્યાનગર હાઈસ્કૂલના છાપરે બેઠક છે આપણી..."-મેં રોફથી કહ્યું.
"અરે એ શું બોલ્યા કાગરાજ?એ તો બધી જૂની વાતો છે...બાકી કોઈનું ભોજન છીનવીને ખાય એ બીજા..."-મોંમાંની લાળને ટપકતી અટકાવવાનો વ્યર્થ પ્રયાસ કરતું શિયાળ બોલ્યું.
"હું તો માત્ર અહીંથી પસાર થતો હતો અને તમને પૂરીને ચાંચમાં લઈને આવતાં જોયા એટલે થયું કે લાવ એક મફતની સલાહ આપતો જાઊં..."-બોલો...હવે આ અભણ મને ભણેલાને સલાહ આપશે...
"બોલો...આમેય બોલ્યા વગર તમે જવાના નથી અહીંથી...!"
-હવે મારા અવાજમામ અણગમો સ્પષ્ટ થયો...આ શિયાળીયાના કારણે મારી પૂરી ઠરી રહી હતી...જેમ બને તેમ જલદી મારે એને ભગાડીને પૂરી ખાવી હતી.
"એ તો મારે એટલું જ કહેવું હતું તમને કે તમે જે ઘેરથી આ ગરમાગરમ પૂરી લઈને આવ્યા છો...એ ઘરના લોકો..."-એ અહીં બોલતું અટકી ગયું...બોલો...આજકાલ આ શિયાળિયાઓ સસ્પેન્સ ક્રિએટ કરવા માંડ્યા છે મારા બેટા...!
"ભાઈ બોલોને બોલવું હોય તો...મારિ પૂરી ઠરી જશે...ના બોલવું હોય તો મને મહેરબાની કરીને શાંતીથી ખાવા દો...અને એવી સહેજેય આશા ના રાખતાં કે આજે તમારી કોઇ વાતથી ભોળવાઈને હું આ પૂરી ગુમાવીશ...નો ચાન્સ મિસ્ટર શિયાળ !"-અને આટલું કહીને મેં એ શિયાળના જવાબની રાહ જોયા વિના જ પૂરીને ચાંચમાં લઈ લીધી...
"અરે શું તમેય જૂની વાત પકડીને બેસી ગયા છો યાર...હું તો માત્ર એટલું જ કહેતો હતો કે...તમે જે ઘેરથી આ ગરમાગરમ પૂરી લઈને આવ્યા છો...એ ઘરના ધણીને ઍડ્સ છે"-સાંભળતાં જ મારી ચાંચમાંથી પૂરી પડી ગઈ...
પૂરી પડી સીધી શિયાળના પગ પાસે...મારું હ્યદય બે ધબકારા ચૂકી ગયું...ખલાસ...ફિર વોહી દાસ્તાન...આજે શિયાળ ફરી પૂરી લઈ ગયું...મેં ફરી મારા કાગ ખાનદાનના નામ પર કલંક લગાવી દીધું...મેં કૂંજામાં પથરા નાખીને જે બુધ્ધી ની મિસાલ કાયમ કરેલી,એને આ શિયાળના બચ્ચાએ કાયમની જેમ આજે ફરી ધૂળમાં મિલાવી દીધી...
મારા મગજમાં આટલા બધા વિચારો એકસાથે પસાર થઈ ગયા...પણ મેં નીચે જોયું તો શિયાળ હજુ ત્યાં જ ઊભૂં હતું...પૂરી પણ એના પગ પાસે એમની એમ જ પડી હતી...શિયાળે મંદ હાસ્ય સાથે મારી આંખો માં આંખો નાખી અને બોલ્યું,"કેમ...તમે તો ભણેલા છો ને...તોય તમને એટલી પણ ખબર નથી કે ઍડ્સ સ્પર્શવાથી નથી ફેલાતો...તમારા જેવા ભણેલાઓ જ આ સમાજમાં આવા જરૂર વગરના ભેદભાવ રાખે છે..."-એના અવાજમાં જોરદાર કડવાશ હતી."અને ગભરાઈશ નહી...એ ઘરમાં કોઈને ઍડ્સ નથી...હું તો માત્ર તને ભણતરના ખોટા ઘમંડમાંથી બહાર લાવવા માગતો હતો...બાકી તારા જેવા ભણેલા અભણના મોંમાંથી પડેલી પૂરીને તો હું સૂંઘુંય નહી..."-કહીને શિયાળ ચાલતું થયું...
અને હું પેલી પૂરીને જોઈ રહ્યો...એને ખાવાની ઈચ્છા તો હતી...પણ શું હું એને ખાવાને લાયક હતો???
બોધ : "સ્પર્શવાથી ઍડ્સ નથી ફેલાતો...પ્રેમ ફેલાય છે...અને જો તમને હજુ આ વાતની જાણ ના હોય...તો તમારું ભણતર વ્યર્થ છે..."
14.3.09
ભૂલ ભૂલકણાની...
ચાલતાં-ચાલતાં મને અચાનક જ યાદ આવ્યું કે ઘરેથી નીકળતાં પહેલાં મેં નક્કી કરેલું : 'આજે ફરી કાંઈ ભૂલી ના જવાય એ માટે જે કામ કરવા જતાં હોઈએ એને મનમાં ને મનમાં ફરી-ફરીને યાદ કરતા રહેવું.'
ભૂલાઈ ગયેલી આ અગત્યની વાત અચાનક યાદ આવતાં મેં રટણ ચાલુ કર્યું : 'સોજીનો લોટ...૫૦૦ ગ્રામ...દસ રૂપિયાની અંદર આવશે...બાકીના પૈસા પાછા લેવાનું ભૂલાય નહીં...વાહ...આ વખતે બધું યાદ છે...ઊંહું...બીજો વિચાર નહી...નહીતર ભૂલી જવાશે...ફરી...સોજીનો લોટ...૫૦૦ ગ્રામ...દસ રૂપિયાની અંદર આવશે...બાકીના પૈસા..'-બસ, આ રીતે મેં મનમાં રટણ ચાલુ જ રાખ્યું...
ખરેખર ! મનના ઊંડાણમાં જો કોઈ કામ પરફેક્ટલી(એટલે મારા કૅસમાં ભૂલ્યા વગર...) કરવાની ઈચ્છા હોય તો કોઈ બાધા તમારા માર્ગમાં ટકી શકતી નથી.
મનમાં ચાલતા રટણના કારણે હું કરિયાણાની દુકાને ક્યારે પહોંચી ગયો એનો મને ખ્યાલ જ ના રહ્યો.પણ હું શા માટે આજે કરિયાણાની દુકાને આવેલો એનો મને પાક્કો ખ્યાલ હતો,જે મારા માટે એટલી ખૂશીની વાત હતી કે તેની ઊજવણી માટે હું પછીના દિવસે સવારે ભૂલ્યા વગર...સમયસર... દૂધ પીવા માટે પણ તૈયાર હતો...
દુકાને બેઠેલા કાકાને મેં છાતી ફૂલાવતાં કહ્યું : " સોજીનો લોટ...પાંચસો...".મારા અવાજમાં દરેક વાત બરાબર યાદ હોવાના અભિમાનની ઝલક હતી.કાકાએ લોટ આપ્યો અને મને બે રૂપિયા પાછા આપ્યા,જેને ખિસ્સામાં મૂકીને મેં ઘર તરફ પ્રયાણ કર્યું.
કોથળીમાં લોટ તો સોજીનો જ છે.મને ખાતરી છે,મને યાદ છે.મેં કાકાને સો ટકા સોજીનો લોટ જ કહ્યો હતો.વળી પાંચસો ગ્રામ જ છે!અને વધેલા બે રૂપિયા પણ મારી પાસે છે,મેં એ ભૂલ્યા વગર લઈ લીધેલા !.....પરફેક્ટ...એકદમ પરફેક્ટ ! આજે હું મમ્મીને એક પણ મોકો નહી આપું મારી મેમરીને કોસવાનો !
ઘરે પહોંચીને મેં એક વિજેતાના ગર્વ સાથે લોટ અને બે રૂપિયા મમ્મી સામે ધર્યા.અત્યારે આથમી રહેલો સૂરજ આજે પૂર્વમાં આથમવાનો હતો ! એ કોથળી અને બે રૂપિયા લઈને મમ્મી રસોડામાં ગઈ.
કેવી ઐતિહાસિક ઘટના ઘટી હતી આજે ! આજે એવું પહેલી વાર બનેલું કે કોઈ કામ કર્યા પછી મમ્મીએ મને કંઈ સંભળાવ્યું ના હોય.આ પ્રસંગની ઊજવણી નિમીત્તે મેં આજે સવારે પિવાનું ભૂલાઈ ગયેલું દૂધ મમ્મી જૂએ એ પહેલાં પી જવાનો મક્કમ નિર્ધાર કર્યો ! પણ આ નિર્ધાર મારી મેમરીમાં બરાબર સ્ટોર થાય એ પહેલાં જ ધડાકો થયો : "વિકીયા !!!"-જગત આખું હલબલી ઊઠ્યું.આ બૂમ મમ્મીની હતી.(આમ તો મારું નામ વિકી છે,પણ ગુસ્સામાં મમ્મી મને પ્રેમથી વિકીયા કહે છે ! )
ચહેરા પર નકરી નિર્દોષતા સાથે હું મમ્મી સમક્ષ હાજર થયો.મારા મનમાં જબરજસ્ત મૂંઝવણ ચાલી રહી હતી : 'કેટલું ગોખ્યું હતું યાર ! શું ભૂલ થઈ હશે?શું બધું ગોખેલું નકામું?ના ના ! એ શક્ય જ નથી ! નક્કી આજે મમ્મીની જ કાંઈક ભૂલ...'
-પણ મારા આવાં વિચારોનો સર્વનાશ કરતાં મમ્મીએ કહ્યું : " હું સોજીના લોટથી રોટલા બનાવું ?"
અને ત્યારે જ મને યાદ આવ્યું કે લોટ સોજીનો નહીં...બાજરીનો લાવવાનો હતો !!!