Pages

17.11.10

"હેરી પોટર એન્ડ ડેથલી હેલૉઝ-૧"- ફિલ્મ જોતાં પહેલાંનું વૉર્મીંગ અપ



"Neither can live while the other survives"
    
         હેરી પોટરની આખી "રામાયણ" આ ભવિષ્યવાણી ના કારણે રચાઈ છે.અત્યાર સુધીની એટલે કે છઠ્ઠા ભાગ સુધીની વાર્તામાં વોલ્ડેમોર્ટ કોઈક ને કોઈક રીતે હેરીની હત્યા કરવાનો પ્રયાસ કરતો બતાવવામાં આવ્યો છે.પણ છઠ્ઠા ભાગના અંતમાં ડમ્બલડોર સાથે વોલ્ડેમોર્ટના એક હોરક્રક્સ ને શોધીને એનો વિનાશ કરવા માટે હેરી જાય છે એ સાથે જ હેરીએ પોતે પણ વોલ્ડેમોર્ટનો અંત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.હવેનો ખેલ ખરાખરીનો છે...કેમ કે હવે હેરી વોલ્ડેમોર્ટની સામે માત્ર "સર્વાઈવ" જ નથી કરી રહ્યો...એ વોલ્ડેમોર્ટની સામે પડી રહ્યો છે...આ રામાયણની શરૂઆત માટે જવાબદાર ભવિષ્યવાણીને હવે એ પણ વોલ્ડેમોર્ટની માફક જ સાચી પાડવાના પ્રયત્ન કરી રહ્યો છે !
       ૧૯ નવેમ્બરે વિશ્વભરમાં રીલીઝ થઈ રહેલા હેરી પોટરના સાતમા ભાગના પહેલા ભાગને જોતાં પહેલાં થોડી બાબતો જેમણે બૂક નથી વાંચી એમના માટે જાણી લેવી જરૂરી છે.આ પોસ્ટ એવા મિત્રો માટે જ લખવામાં આવી રહી છે. IMDB નામની સાઈટમાંથી મળેલ માહિતી મુજબ આ ભાગમાં પુસ્તકના ભાગ એક (ધ ડાર્ક લૉર્ડ અસેન્ડીન્ગ) થી ભાગ ૨૪ (ધ વૉન્ડમેકર) સુધીના ચેપ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેને ધ્યાનમાં રાખીને હું ત્યાં સુધીની સ્ટોરી ટૂંકમાં જણાવું...
       સૌથી પહેલાં છઠ્ઠા ભાગનો એક રેફરન્સ કે જેના પર આખી સીરીઝનો ઘણો આધાર છે : "હોરક્રક્સ"
હોરક્રક્સ એ વિઝાર્ડીંગ વર્લ્ડ (જાદૂગરોની દુનિયા...) ના ડાર્કેસ્ટ તંત્ર-મંત્રમાંનુ એક ગણાય છે કે જેના વિષે ગણ્યા ગાંઠ્યા લોકો જ જાણે છે.કહેવાય છે કે કોઈપણ વિઝાર્ડ (જાદૂગર) "અમર" બનવા માટે પોતાની આત્માના ટુકડા કરીને એને કોઈ જીવિત અથવા નિર્જીવ વસ્તુમાં આરોપિત કરી શકે છે...કહો કે છુપાવી શકે છે ! જે વસ્તુમાં આવો આત્માનો ટુકડો છુપાવવામાં આવે એને "હોરક્રક્સ" કહેવાય.અને હોરક્રક્સ બનાવવાની રીત જ એવી પાશવી છે કે એ બનાવનાર વ્યક્તિ તો અધર્મ-અનિતી-અન્યાય-અત્યાચારની દરેક હદો વટાવી ગયો હોય તો જ આવું કોઈ હોરક્રક્સ બનાવી શકે.રીત કંઈક આ પ્રમાણે છે : તમારે તમારી આત્માના જેટલા ટુકડા કરવા હોય એટલી હત્યાઓ કરવી પડે.દરેક હત્યા પછી કોઈક જીવિત કે નિર્જીવ "ઓબ્જેક્ટ" જેમાં તમે તમારી આત્માનો ટુકડો છુપાવવા કે સાચવવા કે સુરક્ષિત રાખવા ઈચ્છતા હોવ એમાં એક મંત્રવિધિ પછી એ ટુકડાને સમાવી શકો ! તમે તમારી આત્માના ગમે તેટલા ભાગ કરી શકો...જેટલા ભાગ કરીને સાચવવા હોય એટલી હત્યા કરો ! પણ તમે જેમ જેમ વધુ ભાગ કરતા જાવ તેમ તેમ જે ભાગ તમારા શરીરમાં જીવિત છે એ નબળો પડતો જાય અને શરીર ધીરે ધીરે વિચિત્ર આકારનું બનતું જાય.(આ જ છે વૉલ્ડેમોર્ટના ફિલ્મમાંના "વિચિત્ર" , "સ્નેકલાઈક" , "નાક વિનાના" દેખાવનું કારણ !). આવા હોરક્રક્સ બનાવ્યા બાદ જ્યારે બનાવનાર વ્યક્તિ "મરે" ત્યારે તે ખૂબ જ દયાજનક સ્થિતિમાં "નહીં જીવિત...નહીં મૄત" પ્રકારનું જીવન જ જીવે(ફિલ્મોના પહેલા અને ચોથા ભાગમાં બતાવવામાં આવેલો દયનીય છતાં બિહામણો વૉલ્ડેમોર્ટ યાદ કરો...)...પણ સંપૂર્ણપણે એનું મૄત્યુ ત્યારે જ થાય જ્યારે એ વ્યક્તિને મારતા પહેલાં એણે બનાવેલાં તમામ હોરક્રક્સનો નાશ કરવામાં આવે.બધા હોરક્રક્સનો નાશ કર્યા બાદ જ એને બનાવનાર જીવિત વ્યક્તિ (આ કેસમાં વૉલ્ડેમોર્ટ) ને  એક સામાન્ય વિઝાર્ડની જેમ મારી શકાય ! (અને એ પણ ત્યારે જ કે જ્યારે તમારી પાસે એટલી જાદૂઈ આવડત અને તાકાત હોય કે તમે ડાર્ક લૉર્ડ વૉલ્ડેમોર્ટને મહાત કરી શકો ! ).
               ડમ્બલડોરે છઠ્ઠા ભાગમાં હેરીને એટલું તો સમજાવી જ દીધું છે કે વોલ્ડેમોર્ટને મારવાનું વિચારવાની પણ પહેલા હેરીએ તેના હોરક્રક્સને શોધીને એમનો નાશ કરવો પડશે.ડમ્બલડોરના "પથ્થર કી લકીર" જેવા ગેસવર્ક(તુક્કાબાજી...યુ સી ?) પછી એમણે હેરીને એટલું તો કહેલું કે વૉલ્ડેમોર્ટે સાત હોરક્રક્સ બનાવ્યા હોવા જોઈએ,(એક કે બે હોરક્રક્સને પણ ક્રૂરતાની હદ ગણવામાં આવતી હોય તો સાત સાત હોરક્રક્સ વોલ્ડેમોર્ટને કેટલો પાશવી સાબિત કરે એ જરા વિચારી લેજો !), પણ ડમ્બલડોરે હેરીને એ નથી જણાવ્યું કે હોરક્રક્સ તમને મળે પછી તમે એનો નાશ કેવી રીતે કે ક્યા હથિયાર વડે કરી શકો ? અને હવે જ્યારે છઠ્ઠા ભાગના અંતે ડમ્બલડોર મરી ગયા છે...તો હેરી માત્ર એટલું જ જાણે છે કે એણે હવે ડમ્બલડોર સાથે એણે પેલી ગુફામાં જઈને જે હોરક્રક્સ શોધ્યું એના સિવાય બીજા છ હોરક્રક્સ શોધીને એને ખતમ કરવાના છે અને પછી જ એ વૉલ્ડેમોર્ટને મારી શકશે !

----- હોરક્રક્સ વિષે એક જાણવા જેવી વાત : જેમણે " ધ લૉર્ડ ઑફ ધ રીન્ગ્સ " જોયું અથવા વાંચ્યું હશે એમને ખ્યાલ હશે કે " ધ વન રીન્ગ" એટલે કે મુખ્ય રીન્ગનો એના ધારક પર કેવો પ્રભાવ પડે છે. એવી જ રીતે આ હોરક્રક્સ જેની પાસે હોય એ જો લાંબો સમય તેને પોતાની નજીક રાખે અથવા એની સાથે પોતે "ઈમોશનલી અટેચ્ડ" થઈ જાય, તો એ હોરક્રક્સની અસર એના વિચારો પર થવાની શરૂ થઈ જાય છે અને એ હોરક્રક્સ ધરાવનાર વ્યક્તિ પણ એ હોરક્રક્સ બનાવનાર વ્યક્તિનો સ્વભાવ જાણે ધીરે ધીરે ધારણ કરતો જાય છે !

----- હોરક્રક્સને સામાન્ય હથિયારો કે રીતો વડે નાશ ન કરી શકાય. એવા જ હથિયારો કે જે હોરક્રક્સમાં સમાયેલા આત્માના ટુકડાને કાયમ માટે ખંડિત કરી શકે, એ જ હોરક્રક્સને નાશ કરવા માટે વાપરી શકાય ! હેરીને હજુ ખબર નથી કે એ ક્યા હથિયારો છે ?

              હવે વાત મૂળ પ્લોટની : ડમ્બલડોર મરતાં પહેલાં હેરીને (હેરીના મતે "અપૂરતી" ) માહિતી-કમ-મિશન આપીને ગયા છે કે એણે વૉલ્ડેમોર્ટે બનાવેલાં હોરક્રક્સને શોધીને એમનો નાશ કરવાનો છે ! પણ હવે જ્યારે ડમ્બલડોર નથી રહ્યાં ત્યારે હેરીને એમના પર જબરજસ્ત ગુસ્સો આવી રહ્યો છે કે કેમ એમણે એને બધું સીધેસીધું નથી કહ્યું ? કેમ એમણે હેરીને સીધું જ નથી કહ્યું કે એણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે ? એ હેરીને જણાવી શક્યા હોત કે વૉલ્ડેમોર્ટનાં હોરક્રક્સને કેવી રીતે ખતમ કરવાં કે શેના વડે ખતમ કરવાં...પણ ના...એમણે એને બધી જ અધૂરી માહિતી આપી હોવાનો હેરીને અસંતોષભર્યો આક્રોષ છે !
              ફિલ્મની શરૂઆતમાં...સૉરી ... વાર્તાની શરૂઆતમાં આપણને લુસિયસ મૅલ્ફોયની હવેલી કે જે હવે વૉલ્ડેમોર્ટનું હેડક્વાર્ટર્સ બની ચૂકી છે...ત્યાં ભરાયેલી વૉલ્ડેમોર્ટ અને પ્રાણભક્ષીઓની મીટીંગ બતાવવામાં આવી છે.ત્યાં વોલ્ડેમોર્ટને અલગ અલગ પ્રાણભક્ષીઓ પોતે હેરીને એના માસિના ઘરેથી (ડર્સ્લી પરિવાર) ક્યારે અને કેવી રીતે ઓર્ડર ઓફ ફિનીક્સના સભ્યો લઈ જવાના છે એના વિષે જાણેલી માહિતી આપી રહ્યા છે...ત્યાં સ્નેપનો પ્રવેશ થાય છે ( જે હવે પોતે ડમ્બલડોરને માર્યા પછી વોલ્ડેમોર્ટનો ખાસ બની ચૂક્યો છે ! ) અને એ પોતે લાવેલી માહિતી વોલ્ડેમોર્ટ સમક્ષ રજૂ કરે છે.અને એની માહિતીને આધારે એ જ વખતે કેવી રીતે હેરીને ઝડપવો એનો પ્લાન તૈયાર થાય છે.વોલ્ડેમોર્ટ : "તમે ખાલી એને પકડો... બટ... આઈ મસ્ટ બી ધ વન ટુ કિલ હેરી પોટર ".
              આ બાજુ હેરીને જબરજસ્ત પ્લાનીંગ સાથે ડર્સ્લી પરિવારના ઘરેથી રોનના ઘરે પહોંચાડવામાં આવે છે.આ પ્લાન દરમ્યાન આવેલી અડચણો અને પ્લાન પોતે ફિલ્મમાં જોવાની મજા આવશે.રોનના ઘરે પહોંચ્યા પછી હેરી નક્કી કરે છે કે હવે હોગવર્ટ્સ જવાનો કોઈ મતલબ નથી કેમ કે હવે તેના જીવનનું એક જ લક્ષ્ય છે : હોરક્રક્સ ખતમ કરીને વોલ્ડેમોર્ટને ખતમ કરવો ! તેની સાથે તેના પ્રતિકાર છતાં હરમાઈની અને રોન ( ઑબ્વીઅસલી ) જોડાય છે.
               પોતાના મિશન માટે મુંઝવણ અનુભવતો હેરી જ્યારે જાદૂ મંત્રી ડમ્બલડોરની વસિયત સંભળાવવા રોનના ઘરે આવે છે ત્યારે ઉત્સાહમાં આવી જાય છે કે હવે એને કંઈક રસ્તો કે કોઈક હથિયાર મળશે ! પણ એનો ડમ્બલડોર પરનો રોષ ત્યારે વધી જાય છે જ્યારે એને ખબર પડે છે કે ડમ્બલડોરે એના માટે શું છોડ્યું છે :


૧ ) હેરીને ડમ્બલડોરે હેરીએ પોતાની પહેલી ક્વીડીચ મેચમાં પકડેલો " સ્નિચ " ( ગોલ્ડન બૉલ અથવા સુનહરી ગેંદ ) આપ્યો છે. :)

૨ ) રોનને ડમ્બલડોરે પોતાનું " ડીલ્યુમીનેટર " આપ્યું છે. ( એ યંત્ર કે જેના વડે પહેલી ફિલ્મના પહેલા સીનમાં ડમ્બલડોર લાઈટ્સ ખેંચે છે )  :) :)

૩ ) હરમાઈનીને ડમ્બલડોરે "ટેલ્સ ફ્રોમ બીડલ ધ બાર્ડ" નામનું જાદૂની દુનિયાનું બાળવાર્તાનું પુસ્તક આપ્યું છે. :) :) :)

૪ )  હેરીને ડમ્બલડોરે ગોડ્રીક ગ્રીફીનડોર ( ગૌરવ ગરૂડદ્વાર ) ની તલવાર પણ આપી છે, પણ જાદૂ મંત્રાલય એમ કહીને હેરીને એ આપવાનો ઈનકાર કરે છે કે " ગરૂડદ્વારની તલવાર ડમ્બલડોરની સંપત્તિ નથી કે એ કોઈને પોતાની વસિયતમાં લખીને આપી શકે ! "

          હેરી સખત મુંઝાઈ જાય છે.આ કોઈ મજાક છે ? એક સોનાનો દડો...એક લાઈટ ખેંચુ યંત્ર અને એક ચંપકછાપ પુસ્તક પોતાની વસિયતમાં આપીને ડમ્બલડોર સાબિત શું કરવા માગતા હતા...?
              
               તો સાતમો ભાગ અને  ખાસ કરીને સાતમા ભાગની ફિલ્મનો પહ્રેલો ભાગ એ બતાવશે કે હેરી કેવી રીતે જાણે છે કે એણે શું કરવાનું છે ? શેનાથી કરવાનું છે ? શરૂઆત ક્યાંથી કરવાની છે ? પોતાની વસિયતમાં ગરૂડદ્વારની તલવાર સિવાયની પેલી નક્કામી વસ્તુઓ ડમ્બલડોર કંઈ અમસ્તા તો ના જ આપે ! પણ તો પછી એ વસ્તુઓનું કરવાનું છે શું ? હેરી જો હોગ્વર્ટ્સ નહીં જાય તો ક્યાં જશે ? હેરી પાસે હાલ ડમ્બલડોર સાથે ગુફામાં જઈને મેળવેલું જે હોરક્રક્સ છે... એ ખરેખર હોરક્રક્સ નથી એ જેમણે પુસ્તક વાંચ્યું હોય અથવા છઠ્ઠી ફિલ્મના અંતમાં હરમાઈની અને હેરી વચ્ચેનો સંવાદ ધ્યાનથી સાંભળ્યો હોય એમને ખ્યાલ હશે. ટૂંકમાં અત્યારે એક પણ હોરક્રક્સ હેરી પાસે નથી ! તો એણે છ-છ હોરક્રક્સ શોધવાના છે. ( સાતમું હોરક્રક્સ, ટોમ રીડલની ડાયરિ હતી જે નાશ પામી ચૂકી છે ! ). એ કોઈ પણ જીવિત કે નિર્જીવ વસ્તુ હોઈ શકે...કેવી રીતે શોધશે હેરી એ છ હોરક્રક્સ ? શેનાથી એમનો નાશ કરશે ? અને સૌથી મોટો પ્રશ્ન : છઠ્ઠા ભાગમાં અંતમાં ડમ્બલડોર અને હેરીને વોલ્ડેમોર્ટના છુપાવેલા હોરક્રક્સની જગ્યાએ " આર. એ. બી. " લખેલું જે લોકેટ મળ્યું... એ લોકેટ હોરક્રક્સની જગ્યાએ ત્યાં કોણે મૂક્યું હતું ? જો એ આર. એ. બી. નામના માણસે જ મૂક્યું હોય તો કોણ છે આ આર. એ. બી. ? અને તો પછી ઓરીજીનલ લોકેટ ક્યાં છે જે સાચું હોરક્રક્સ છે ? ડમ્બલડોર જો હેરીને ગૌરવ ગરૂડદ્વારની તલવાર આપવા માગતા હતા તો એની પાછળ જરૂર કોઈ કારણ હશે ? શું હશે એ કારણ ?
અને એક મિનીટ : આ ડેથલી હેલોઝ... એટલે કે વિનાશક શસ્ત્રો શું છે ?
              ફિલ્મ બે ભાગમાં બની હોવાથી એટલી તો બાંહેધરી છે જ કે બૂકનું ઘણું ઓછું " ગુપ્ચાવાયું " હશે ! એટલે બૂક વાંચનાર ફેન્સ તો ખૂશ જ પણ સાથે સાથે ડીટેઈલમાં સ્ટોરી બતાવાશે એટલે માત્ર ફિલ્મથી હેરી પોટરના ચાહકો બનેલા લોકો પણ ખૂશ ! આશા રાખીયે કે પાંચમા અને છઠ્ઠા ભાગની ફિલ્મનો અસંતોષ સાતમા ભાગની ફિલ્મનો પહેલો ભાગ જોઈને દૂર થાય.
પડે છે ૧૯ નવેમ્બર ને શુક્રવારે ! જોઈ આવો ત્યારે...

ફેવરીટ ચેપ્ટર ઓફ ધ બૂક : હેરી અને હરમાઈની ની "ગોડ્રીક’સ હૉલો" ની ટ્રીપ, કે જ્યાં હેરીનું ઘર આવેલું છે... જ્યાં વોલ્ડેમોર્ટે હેરીના માતા પિતાની હત્યા કર્યા બાદ હેરીને મારવાનો પ્રયાસ કરવા જતાં..આખી હેરી પોટરની રામાયણની શરૂઆત કરેલી ! જો બૂકમાં વર્ણન છે એ પ્રમાણે  જ એ આખી ઘટના  બતાવવામાં આવે તો...ખરેખર રૂવાંડા ખડાં કરી દે એવી ઘટનાઓ ત્યાં થાય છે ! મને એ પણ કૂતુહલ છે કે હિન્દી વર્સનમાં "ગોડ્રીક’સ હૉલો" નો શું અનુવાદ કર્યો હશે ? ... "ગૌરવઘાટી" ? :) :)

19.9.10

Book Review : ભગવાનના રથ..શું ભગવાન અંતરિક્ષયાત્રી હતા ???

ચાલો આજે એક વાર્તા કહું !
પણ જરા મગજને દોડતું રાખવું પડશે હોં ?
"ધારો કે..." માણસજાતિ એ ટેકનોલોજીમાં વર્ષો પછી એવી હરણફાળ ભરી છે કે અંતરિક્ષમાં પ્રકાશની ગતિ જેટલી ગતિથી સ્પેસશીપ દોડાવવું શક્ય બન્યું છે.આ ટેકનોલોજીથી માનવજાત માટે અંતરિક્ષની ના ખેડાયેલી ઊંડાઈઓએ પહોંચવાનું હવે શક્ય બન્યું છે.એક આંતરરાષ્ટ્રીય યોજના પ્રમાણે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ ક્ષેત્રોના "ખેરખાં" ઓને એક સ્પેસટ્રાવેલ માટે તૈયાર કરવામાં આવે છે.આ સ્પેસ પ્રોગ્રામના અંતર્ગત આ સ્પેસટ્રાવેલર્સે એક અનંત અંતરિક્ષયાત્રા પર જવાનું છે અને એ યાત્રા દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી પૄથ્વી તરફ "અપડેટ્સ" ટ્રાન્સમીટ કરવાનાં છે. યાત્રાનું મુખ્ય મિશન : "અંતરિક્ષમાં જીવનની શોધ !"

તો યાત્રા શરૂ થાય છે.ધારવાની રમત ચાલુ રાખો.અસંખ્ય પ્રકાશવર્ષ સુધી ચાલે એવા બળતણની વ્યવસ્થા છે એવું ધારી લો ! પણ અંતરિક્ષમાં "અસંખ્ય પ્રકાશવર્ષ" એટલે શું ? "અસંખ્ય" શબ્દ અંતરિક્ષની વિરાટતા સામે વામન ના ગણાય ? તો ધારો કે આપણી ગૅલેક્સીથી ક્યાંય દૂર કોઈક ગૅલેક્સીમાં પહોંચેલા આપણા અવકાશયાનને હવે બળતણ(ધારો કે યુરેનીયમ)ની ખોટ પડવા લાગી છે.આટલા અંતરેથી હવે પૄથ્વી સાથેનો સંપર્ક તો ક્યારનોય તૂટી ગયો છે...

ધારવાની આપણી આ ગેમનો બેસ્ટ પાર્ટ હવે આવે છે.ધારો કે કટોકટીના આ સમયમાં જ એ ગૅલેક્સીમાં આપણા અવકાશયાત્રીઓને કાંઈક એવું દેખાય છે, જેની ત્યાં હોવાની એમને ક્યારેય આશા નહોતી ! એક ગ્રહ...દેખાવમાં પૄથ્વીને મળતો આવતો...આધુનિક ઉપકરણોથી સજ્જ અવકાશયાનના યાત્રીઓ કોઈક રીતે તપાસ કરે છે કે એમને જે બળતણની જરૂર છે એ આ ગ્રહ પર છે જ ! અને પૄથ્વીને આટલા મળતા આવતા ગ્રહ પર ઉતરાણ ના કરીયે તો તો "અંતરિક્ષમાં જીવનની શોધ" નું મિશન લાજે ! તો બળતણ અને મિશનના વિચારે યાનને એ ગ્રહ પર લેન્ડ કરાવવાનું નક્કી કરવામાં આવે છે !

હવે એ ગ્રહ પરનો સીન વિચારો.ધારો કે એ ગ્રહ પૄથ્વીને ઘણીબધી રીતે મળતો આવતો હોવાને કારણે પૄથ્વીની જેમ જ ત્યાં પણ જીવન છે.ફરક માત્ર એટલો જ કે હજુ એ ગ્રહના "બુધ્ધીશાળી" જીવો આપણી પૄથ્વીના આદીમાનવ જેવી બૌધ્ધિક અવસ્થામાં છે ! અને એક દિવસ એમની ઉપરનું આકાશ અને એમની નીચેની ધરતી ભયંકર ઘોંઘાટથી ધ્રુજવા લાગે છે. આકાશમાં એમને એક ચમકતી ચીજ દેખાય છે...જે એમની તરફ આવી રહી છે...જેનું કદ અંતર ઘટવા સાથે ધીરે ધીરે વધી રહ્યું છે.એમાંથી અગ્નિ વરસી રહ્યો છે. હતપ્રભ થઈ ગયેલાં આદિમાનવો જોઈ રહ્યાં છે. અગ્નિરથ ધરા ધ્રૂજાવતો જમીનને સ્પર્શે છે.ધુમાડાના ગોટેગોટા...કાન ફાડી નાંખે એવો અવાજ... અને આદિમાનવોનું અવિકસિત મગજ !!! સૌ ઘૂંટણિયે પડી જાય છે...બે હાથ અને માથું જમીન પર ! "ભગવાન...ગોડ...મસીહા...દેવ...આકા...માલિક...ઈશ્વર...".એમના માટે તો આ દેવો સ્વર્ગમાંથી ધરતી પર પધાર્યા છે !

અવકાશયાત્રીઓ લેન્ડ કરીને જ્યારે યાનની બહાર નીકળે છે ત્યારે જુએ છે કે અહીંના "આદિમનુષ્યો" ઑલરેડી એમને ભગવાન માની ચૂક્યા છે અને એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે.એકબીજાની ભાષા સમજવાનો તો પ્રશ્ન જ નથી.એ સાથે જ શરૂ થાય છે એ ગ્રહના આદીમાનવોની બૌધ્ધિક વિકાસની યાત્રા ! કઈ રીતે ? આપણા અવકાશયાત્રીઓ સાઈન લેન્ગવેજ અને ચિત્રોથી એમની સાથે વાર્તાલાપ શરૂ કરે છે.ચિત્રલિપિ એ ગ્રહ પર સદીઓ સુધી આવનારી પેઢીઓને પુરાતનકાળ વિષે ઉત્સુક રાખશે...કદાચ ! આદિમાનવો જુએ છે કે "ભગવાન" અવકાશયાત્રીઓ એકબીજા સામે ચિત્રવિચિત્ર અવાજો કર્યા કરે છે...અને એ ઓબ્સરવેશન કદાચ એ ગ્રહ પર ભાષાના ઉદભવનું બીજ હોઈ શકે ! આપણા અવકાશયાત્રીઓ ત્યાંના આદીમાનવોને "અગ્ની" ઉત્પન્ન કરતાં શીખવે છે...અને એ અગ્નીના અગણિત ફાયદાઓ બતાવે છે !  બની શકે કે હજુ પણ બંદરના શારીરિક લક્ષણો ધરાવતા આદીમાનવોમાંની અમુક માદાઓમાં આપણા યાત્રીઓ એમનું "બીજ" રોપે, જેથી એક નવી "સ્પીસીઝ" કે "જાતિ" નું નિર્માણ થાય, જે શારીરિક અને બૌધ્ધિક રીતે પોતાની આગલી પેઢી કરતાં ઘણી જ "એડવાન્સ્ડ" હોય... (ઊત્ક્રાંતિ ?????). એ ગ્રહના લોકોએ "ભગવાનો" ને ઘણું કરતાં જોયાં. એમની સમજણની બહારની એ બધી ક્રીયાઓ એમણે માત્ર નકલની જેમ (બંદરો ખરાંને ભઈ !) ચાલુ કરી અને જેમ જેમ સમજતાં ગયાં એમ એમ એ ક્રીયાઓને "સિધ્ધાંત" તરીકે સ્વીકારી. છેવટે "આપણી પબ્લિક" એમને અંદરોઅંદર ઝઘડવાના ગેરફાયદાઓ સમજાવવામાં અને "સમાજ" બનાવીને એમાં હળીમળીને રહેવાના ફાયદાઓ સમજાવવામાં સફળ રહી ! જરૂરી બળતણ ભેગું થતાં હવે અવકાશયાત્રીઓ પોતાની યાત્રા "કન્ટીન્યુ" કરવા તૈયાર થયા...પણ ભગવાની વિદાય વેળાએ ત્યાંના લોકોએ ભગવાનને પૂછ્યું કે "ફરી ક્યારે આવશો ?"--ત્યારે આપણા યાત્રીઓએ સરળ જવાબ આપ્યો : "અમે ફરી જરૂર આવીશું..."---શક્ય છે કે આ જવાબનું વખત જતાં...એક જીભેથી બીજી જીભે ટ્રાન્સ્ફર થતાં..."અધર્મ વધતાં હું ફરી આવીશ..." ટાઈપ ભાષાંતર થાય !!!

""અંતરિક્ષની જેમ અનંત લૂપહોલ્સ ધરાવતી મારી આ "ધારવાની" સાયન્સ ફિક્શનને કદાચ લોકો હસી નાંખે ખરા...પણ વિચારજો કે એક વખત "મનુષ્ય આકાશમાં ઊડી શકે ..." એવું વિચારનારા પણ "ઘેલાં" માં ખપાતાં હતાં !""--આવું લખીને શરૂઆત કરનારા લેખક Eric Von Denican પોતાના પુસ્તક "Chariots of Gods--Was God an Astronaut ?"(ભગવાનના રથ...શું ભગવાન અંતરિક્ષયાત્રી હતા ?)માં ઉપરની વાર્તા કહીને પછી એ આદીમાનવોની જગ્યાએ મનુષ્યજાત અને એ ગ્રહની જગ્યાએ આપણી પૄથ્વીને મુકીને પછી વિચારવા કહે છે. જો કે ઉપરની વાર્તા વાંચતાં વાંચતાં જ આપ સૌએ વગર કહ્યે એ વિચારી જ લીધું હશે...અને કેમ ના વિચારી શકાય ? શું આમ થવું પોસીબલ નથી ? લેખકે પોતાની આ થીયરી ને આધાર આપવા માટે "રામાયણ" અને "મહાભારત" થી માંડીને કંઈ કેટલાય ગ્રંથોનાં કેટલાંય લખાણો નો સંદર્ભ લીધો છે. કેટલાંય ઐતિહાસિક બાંધકામોના પ્રયોજનો ચર્ચ્યા છે. પુરાતનકાળનાં કેટલાંક પ્રસિધ્ધ, પણ ન સમજાયેલાં પાષાણચિત્રો પોતાની આ થીયરી પ્રમાણે બંધબેસતાં ગણ્યાં છે. આપણી "ભગવાન" વિષેની પરંપરાગત વિચારસરણીને ઘડીક ડગાવી દેતી થીયરી લેખક રજૂ કરે છે. હું લેખકની આ વિચારસરણીને "આઊટ ઓફ ધ બોક્સ" વિચારસરણી ગણું છું. આ વિષે વિચારી જોજો...ખૂબ મજા આવશે.
આ પુસ્તકની વિકિપીડીયાની લિન્ક અહીં મૂકું છું .

આપ સૌને જણાવી દઊં કે આ પોસ્ટનો આશય માત્ર આપને આ પુસ્તક વિષે માહિતી આપવાનો છે.વિકિપીડીયાની અહીં આપેલી લિન્ક પર જવાથી આપ જોશો કે આ પુસ્તકને કેવા પ્રકારનો પ્રતિભાવ સાંપડેલો... અને હું આગ્રહ કરું છું કે આપ એ લિન્ક પર જઈને ત્યાં આપેલી માહિતી પણ વાંચો...

આભાર !

5.9.10

મૂવી રેકમેન્ડેશન : Contact (1997)



    એક સમય હતો જ્યારે અબુધ માનવજાતિ એવું માની બેઠેલી કે સૂર્ય-ચંદ્ર-તારાઓ પૄથ્વીની ફરતે ચક્કર લગાવે છે ! સાયન્સે તેને બ્રહ્માંડમાં તેના અસ્તિત્વની સૂક્ષ્મતાનું ભાન કરાવ્યું. એટલે જ કદાચ બ્રહ્માંડમાં બીજે ક્યાંય "જીવન" ની શોધ આપણે આદરી, આપણા "જીવન" નું મહત્વ પ્રસ્થાપિત કરવા જ તો વળી...કદાચ આપણે મનના કોઈક ઊંડા ખૂણે એવી જ આશા રાખીને બેઠા છીએ, કે બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન ના જ હોવું જોઈએ, જેથી આપણે છાતી ફૂલાવીને કહી શકીએ કે "અમે ... અમારું અસ્તિત્વ મહત્વનું છે..."
    આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ "કોન્ટેક્ટ" મૂવીનો પહેલો સીન છે. આ પહેલો સીન જોયા પછી આગળ વાત કરી એ મુજબ આપણે પૄથ્વીના "ઈનસીગ્નીફિકન્ટ" અસ્તિત્વની નોંધ લીધા વિના રહી શકીએ નહીં...
    તો અહીં વાત કરવી છે જૂડી ફોસ્ટર અભિનિત "કોન્ટેક્ટ" મૂવીની.૧૯૯૭ માં રીલીઝ થયેલું આ મૂવી IMDB પર ૭.૩ રેટીંગ મેળવી શક્યું છે.એક સાયન્સ ફિક્શન ફિલ્મ કેટલી હદ સુધી રીયલ લાગી શકે ? આ મૂવી જોયા પછી મનમાં ખરેખર વિચાર થાય કે જો ક્યારેય કોઈ "એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ લાઈફ" પૄથ્વીવાસીઓનો સંપર્ક કરશે તો માહોલ મહદ અંશે આ મૂવી જેવો જ હશે.

પ્લોટ સમરી :
"એલીનોર એરોવે અથવા ’એલી’ બાળપણથી જ અવકાશથી પ્રભાવિત થયેલી છોકરી છે. જન્મ સાથે જ માતા ગુમાવી ચૂકેલ એલી થોડાં વર્ષો સુધી જ પિતાનું વહાલ મેળવી શકે છે. તેના બાળપણમાં જ થયેલું તેના પિતાનું મૄત્યુ તેને સંપૂર્ણપણે નાસ્તિક બનાવી દે છે. અનંત અવકાશમાં પૄથ્વી સિવાય કોઈ જગ્યાએ જીવન અથવા કહો કે બુધ્ધિશાળી જીવન ના હોઈ શકે એ વાત એના ગળે નથી ઊતરતી. માનવજાતે પોતાની જાતને એટલી મહત્વની ના માનવી જોઈએ કે ’એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ લાઈફ’ ની નાનામાં નાની સંભાવનાને પણ હસી નાંખવામાં આવે. અવકાશી જીવન શોધવાના પોતાના પ્રયત્નો એને સ્પેસ સાયન્ટીસ્ટ બનાવે છે. અને એ સ્પેશ્યલાઈઝેશન કરે છે અવકાશી તરંગોનું એનાલિસીસ કરવામાં... સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને એ એવાં રીસીવર્સ વિકસાવે છે જે બ્રહ્માંડના અબજો તારાઓમાંથી દરેક તારાના પૄથ્વીથી અંતર પ્રમાણે એ તારામાંથી આવતા સિગ્નલ (જો એ તારા પર જીવન હોય અને એ બુધ્ધીશાળી જીવોએ એવું કોઈ સિગ્નલ અવકાશમાં વહેતું મૂક્યું હોય તો...) ને રીસીવ કરી શકે છે. વર્ષો સુધી એલી આ રીતે એક પછી એક તારાને ચકાસતી રહે છે, પણ એમ અબજો તારાઓમાંથી એક પર જીવન શોધવું કાંઈ સહેલું કામ થોડું છે ? સરકાર આ ખર્ચાળ પ્રોજેક્ટ પર હવે વધુ સમય અને પૈસા વેડફવા નથી માંગતી અને એને વધુ ગ્રાન્ટ આપવાનો ઈનકાર કરવામાં આવે છે. રોષે ભરાયેલી એલીને પોતાના પ્રોજેક્ટ અને મિશન પર ભરોસો છે. એ એક પ્રાઈવેટ ઓર્ગેનાઇઝેશનને આર્થિક આધાર પૂરો પાડવા મનાવી લે છે, જો કે એ ઓર્ગેનાઈઝેશનનો ઑનર પોતાની જાતને પડદા પાછળ રાખવાનું વધુ અનુકૂળ સમજે છે અને એલી સાથે સીધા સંપર્કમાં આવતો નથી. પણ આ આર્થિક સહાયથી કાંઈ એલીનું કામ ઝડપી થવાનું નહોતું. તારાઓ હજુ પણ અબજો જ હતા અને એમની સામે એક પછી એક અંધારામાં તીર મારવાનું હતું. પણ એક દિવસ એલીને એક ફ્રિક્વન્સી પર લયબ્ધ્ધ અવાજ સંભળાય છે જે નજીકના બ્રહ્માંડનો નથી એવું એના કમ્પ્યુટર્સ કેલ્ક્યુલેટ કરી આપે છે. હવે મૂવી સ્પીડ પકડે છે. અને એક વ્યક્તિગત વાર્તામાંથી બહુ જ ધીમે ધીમે એ સમગ્ર માનવજાતની વાર્તા બને છે.

એ સિગ્નલ ક્યાંથી આવ્યું ?


શું સંદેશ છે એ સિગ્નલમાં ?

એ સંદેશનું ડીકોડીંગ કેટલી મુશ્કેલીથી અને કેવી રીતે કરવામાં આવે છે ?

અને કેવી રીતે એ સંદેશનું ડીકોડીંગ કર્યા બાદ નાટકીય રીતે સમગ્ર દુનિયાની નજર એલી પર મંડાય છે ?


એ જાણવા માટે ફિલ્મ જોવી રહી...   "

એલી તરીકે જૂડી ફોસ્ટરે દાદ માગી લે એવી ઍક્ટીંગ કરી છે. જો નિર્દેશક ઈચ્છતા હોત તો આ ફિલ્મને વધુ ઈમોશનલ "કોઈ મિલ ગયા" છાપ બકવાસ (બટ ફૂલ રીસ્પેક્ટ ટુ હ્રિતિક્સ ઍક્ટીંગ !) અને મેઇન સ્ટોરીની મજા ખાટી કરનારો ટચ આપી શક્યા હોત...પણ અહીં જ તો હોલિવૂડ એ બોલીવૂડ કરતાં આગળ નીકળી જાય છે. અહીં સ્ટોરી સાથે ક્યારેય કોઈ જ કોમ્પ્રોમાઈઝ નથી કરવામાં આવતું. છતાં એક વાત સૌને જણાવી દેવા માગું છું કે ફિલ્મનો અંત ખૂબ જ અલગ અને આપણી દરેકની હજુ વધુ જાણવાની ઈચ્છા અધૂરી રાખનારો છે. "પણ હવે શું ?"- એવો પ્રશ્ન ફિલ્મ પતે ત્યારે દરેકને થશે...પણ એટલે જ તો કહું છું કે ફિલ્મ રીલાયીટીની ખૂબ જ નજીક હોવાનો મને અહેસાસ થયો એવો તમને પણ જોયા બાદ થશે. કેમ કે રીયાલીટીમાં કેટલીક બાબતોના જવાબ લાંબી મથામણ પછીય નથી મળતા.

સાયન્સ ફિક્શન લવર્સ માટે તો મસ્ટ વૉચ મૂવી.
બસ એક જ રીકવેસ્ટ... મારા કહ્યાથી ક્યારેક આ ફિલ્મ જુઓ તો અહીં લખજો ખરા કે કેવો અનુભવ રહ્યો...આટલું ટાઈપીંગ કરેલું સફળ થયેલું માનીશ...
આભાર !
--- વીકી ...ધ મૂવી ફ્રીક !

31.7.10

Inception (2010)



ઈન્સેપ્શન ! આ શબ્દનો અર્થ છે "કશાકનું સર્જન કે શરૂઆત"...હિન્દીમાં "ઈજાદ"...
તમે તમારા સપનાઓને કેટલા સીરીયસલી લો છો?આ ફિલ્મ જોયા પછી જો કે તમે સ્વપ્નો વિષે સીરીયસલી વિચારતાં થઈ જશો ખરા.આ ફિલ્મમાં વાત છે વિચારો ચોરવાની...સપનામાં ઘૂસીને વિચારો ચોરવાની ! જો તમે "મેટ્રીક્સ" જોયું હોય તો આ ફિલ્મ સમજવામાં તમને ઓછી તકલીફ પડશે.અહીં એક એવી દુનિયા બતાવવામાં આવી છે જેમાં એકસાથે ઘણાં બધાં લોકો કોઈક દવા લઈને એકબીજાને કોઈક પ્રકારની આધુનિક ટેકનોલોજી વડે "કનેક્ટ" કે "નેટવર્કીંગ" કરીને સૂઈ જાય છે.આ બધા લોકોમાંથી કોઈક એક ના અંતર્મન(consience) માં એટલે કે એના સ્વપ્નમાં બધાં ભેગા થઈ શકે છે.હવે આ બધાં લોકોમાંથી જો કોઈ એકને જબરજસ્તીથી પેલી "લાંબા ઘેન"ની દવા પીવડાવીને "કનેક્ટ" કરવામાં આવે,તો એના અંતર્મનના ઊંડાણમાં પડેલા સીક્રેટ્સ ચોરી શકાય છે !આ લાગે છે એના કરતાં ઘણું અઘરું છે.સ્વપ્નમાં ઘૂસવાના કેટલાક નિતીનિયમો છે,જેનું ઊલ્લંઘન થાય તો વ્યક્તિ લાંબા "કોમા"માં પણ જઈ શકે છે !
પણ આ તો કોઈકના વિચારો ચોરવાની વાત થઈ...તો પછી ફિલ્મનું નામ "ઈન્સેપ્શન" શા માટે છે?એ એટલા માટે કે આવી રીતે કોઈકના અંતર્મનમાં ઘૂસીને ધમાલ કરવામાં માહેર એવા ફિલ્મના હીરો "ડોમ કોબ" ને અમુક કારણોસર એવું મિશન હાથમાં લેવું પડે છે જેમાં એક વ્યક્તિના અંતર્મનમાંથી કોઈ વિચાર ચોરવાનો નથી...પણ એક વિચાર રોપવાનો છે ! હવે આ કામ અશક્ય હોવાનો સૌનો દાવો છે,પણ "કોબ"(લિયોનાર્દો ડી’કાપ્રિયો) એવો દાવો કરે છે કે "આ કામ અશક્ય નથી,માત્ર મુશ્કેલ છે...અને હું આ કામ કરી ચૂક્યો છું !!!".અને અહીંથી ફિલ્મની ખરી સ્ટોરી શરૂ થાય છે.એક બિમાર ઊદ્યોગપતિ મૄત્યુના નજીક છે,ત્યારે એનો કટ્ટર દુશ્મન એવો બીજો એક ઊદ્યોગપતિ "કોબ" ને બિમાર ઊદ્યોગપતિના પુત્રના અંતર્મનમાં એવો વિચાર "ઈન્સેપ્ટ" કરવાનું કહે છે કે ’એને એના પિતાની કંપની વિખેરી નાંખવી છે’ ! આ દરમ્યાન એને એવું જ લાગવું જોઈએ કે વિચાર એના પોતાનો જ છે,કોઈએ રોપેલો કે "ઈન્સેપ્ટ કરેલો" નથી !
આ કામ કોબ પોતાની ટીમ સાથે કેવી રીતે કરે છે?અંતર્મન કે સ્વપ્નમાં ઘૂસણખોરી કર્યા પછી ક્યા કાયદાઓનું પાલન કરવું પડે છે? અંતર્મનમાં કોઈ મરી જાય તો શું થાય?ત્યાં વાગે તો શું થાય ? અંતર્મનમાં મૄત્યુ છતાં જો હકીકતમાં સૂઈ રહેલા વ્યક્તિની ઊઘ ના ઊડે તો શું થાય ? વગેરે પ્રશ્નોના જવાબ જાણવા ફિલ્મ જોવી પડે !
હિન્દીમાં આ ફિલ્મ "ચક્રવ્યૂહ" નામે રીલીઝ થઈ છે ! અને એ નામને સાર્થક કરે એવી આંટીઘૂંટીઓ ફિલ્મમાં છે.મગજ ચકરાવે ચડી જાય એવા કેટલાક દ્રશ્યો છે.સપનાંઓના એક નહીં...બે નહીં...ચાર ચાર લેવલ છે.(બે લેવલ એટલે સપનામાં સપનું...ત્રણ એટલે સપનામાં ચાલી રહેલા સપનામાં ફરી ત્રીજું સપનું...).હવે તમે જ વિચારો,જો ફિલ્મ દરમ્યાન પોપકોર્ન ખાવામાં ધ્યાન હટ્યું,તો પછીની આખી ફિલ્મમાં કંઈ જ ખબર જ ના પડે !
એક્ટીંગ તો બધાની સુપર્બ જ છે...પણ ફિલ્મની ખરી હીરો એની સ્ટોરી છે ! એવા જકડાઈ જઈએ કે બહારની દુનિયાને ભૂલીને જાણે આપણે ફિલ્મના સ્વપ્નમાં જાણે ખોવાઈ જઈએ છીએ !!! "ધ ડાર્ક નાઈટ" જેવી સુપર્બ ફિલ્મ આપનાર ક્રિસ્ટોફર નોલાન માટે આ ફિલ્મ જોયા પછી ખરેખર માન થઈ ગયું.આટલી જટીલ સ્ટોરીને એમણે કેટલી સરળતાથી કંડારી છે.પોતાની ટીમમાં નવી સામેલ થયેલી આર્કીટે્ક્ટ છોકરીને અંતર્મનમાં ઘૂસ્યા પછીની દુનિયા અને એમાં ઘૂસનાર વ્યક્તિને મળતી શક્તિઓ અને એમાં પાળવા પડતા અમુક નિતીનિયમો સમજાવતા કોબ(લિયોનાર્દો) નો સીન આફરીન પોકારી જવાય એવી રીતે રચવામાં આવ્યો છે ! "મેમેન્ટો","ધ પ્રેસ્ટીજ " અને "ડાર્ક નાઈટ" જેવી સુપરહીટ ડાર્ક ફિલ્મો આપનાર ક્રિસ્ટોફર નોલાન જાણે પોતાના છેલ્લા સર્જનને ભૂલાવી દે એવું જ નવું સર્જન કરવાની ટેક લઈને બેઠા છે.સમજવા માટે પ્રયાસ કરવો પડે એવી ફિલ્મ ! અને સમજ ના પડે તો પણ પૈસા વસૂલ થઈ જાય એવા દ્રશ્યો...એક ફિલ્મ રસિકને આનાથી વધુ શું જોઈએ???
IMDB(Internet Movie DataBase) નામની સ્ટાન્ડર્ડ ફિલ્મ રીવ્યૂ એન્ડ રેટીંગ સાઈટે આ ફિલ્મને ૯.૨ સ્ટાર આપ્યા છે !આ સાઈટનું ટોપ ૨૫૦નું લિસ્ટ ઘણું જ સ્ટાન્ડર્ડ ગણાય છે.આ લિસ્ટમાં "ઈન્સેપ્શન" રીલઝ થતાંની સાથે જ ત્રીજા રેન્ક પર પહોંચી ગઈ છે ! અંગ્રેજી ફિલ્મજગતમાં  આ ઘણી જ મોટી ઘટના કહેવાય.IMDB ટોપ ટેન એટલે ઓસ્કાર્સની વણઝાર...

આ ફિલ્મ જોવી એ હવે દરેક હોલીવૂડ ફ્રીક મૂવિ લવર માટે અનિવાર્ય બન્યું ગણાય...