Harry Potter and the Half-blood Price ફિલ્મ ૧૭ જુલાઈ,શુક્રવારે ભારતમાં રીલીઝ થઈ રહી છે.
આ પોસ્ટ વડે હું હેરી પોટરનાં ગુજરાતી ચાહકોને આ ફિલ્મ વિષે કોઈ સસ્પેન્સ ખોલ્યા વિના...આ ફિલ્મમાં શું જોવા મળશે એ માહિતી આપવા ઈચ્છું છું.
જે લોકોએ આ છઠ્ઠું પુસ્તક વાંચ્યું હશે એ લોકો માટે પણ મારી આ પોસ્ટ એક "ક્વીક રીવીઝન" જેવી થઈ રહેશે.
આટલું વાંચ્યા પછી ફિલ્મ જોવા જશો તો કોઈ પણ અગત્યની ઘટનામાં "શું?" કે "હેં?" ની લાગણી નહીં થાય એટલી ગેરંટી છે...
ખાસ્સા દળદાર આ પુસ્તક નો કથાસાર મેં કોઈની ફિલ્મ જોવાની મજા ના બગડે એ રીતે કોઈ સસ્પેન્સ ખોલ્યા વિના જેમ બને એમ ટૂંકમાં વર્ણવ્યો છે...અહીં હું એવું માની લઊં છું કે આ વાંચનારે આ પહેલાની ફિલ્મો જોઈ હશે...
Harry Potter and the Half-blood Price...ફિલ્મ જોતાં પહેલાંનું વૉર્મીંગ અપ...
વોલ્ડેમોર્ટનાં પરાક્રમો વધવા લાગ્યાં છે.મગલુઓની હેરાનગતીઓ વધી રહી છે.લોકો ગાયબ થઈ રહ્યાં છે.વિચિત્ર રીતે મરી રહ્યાં છે.અકુદરતી લાગતી કુદરતી હોનારતો વધી રહી છે(જેમ કે પૂલનું અચાનક તૂટી જવું...).
આ બધી ઘટનાઓથી મગલુઓનાં મંત્રી પરેશાન છે.એમના પર ખૂબ જ ટેન્શન આવી ગયું છે.ત્યારે કોર્નેલીયસ ફજ(જાદૂ મંત્રી) મગલુ મંત્રીની રૂબરૂ મુલાકાત લે છે અને એમને કહે છે કે આ બધું અમારી દુનિયાના શેતાન લોર્ડ વોલ્ડેમોર્ટનાં કારણે થઈ રહ્યું છે અને એ આ બધું એનાં ચુસ્ત અનુયાયીઓ એટલે કે પ્રાણભક્ષીઓ દ્વારા કરાવી રહ્યો છે.
જાદૂ મંત્રી ફજ મગલુ મંત્રીને જાણકારી આપે છે કે હવે એ પોતે જાદૂ મંત્રી નથી રહ્યાં.એમની હકાલપટ્ટી કરવામાં આવી છે.ગયા વર્ષે એમણે હેરીને ડોલોરીસ અમ્બ્રીજ દ્વારા ખૂબ પરેશાન કરેલો અને વોલ્ડેમોર્ટ પાછો આવી ગયો છે એ માનવાનો પણ ઈન્કાર કરેલો.પણ ગયા વર્ષને અંતે મંત્રાલયમાં જે ધમાલ થઈ એ પછી બધાને ખબર પડી ગઈ કે ફજ વોલ્ડેમોર્ટની વાપસીને છૂપાવી રહ્યો હતો અને પોતાના રાજકીય લાભ માટે હેરીને પણ પરેશાન કરી રહ્યો હતો...જેથી જાદૂગરોની સમગ્ર દુનિયામાં એના પ્રત્યે રોષ ફેલાય છે અને એને મંત્રીપદેથી રાજીનામું આપવા ફરજ પડાય છે.
થોડીવાર પછી નવા જાદૂમંત્રી રૂફસ સ્ક્રીમગ્યોર પણ મગલૂ મંત્રીને મળવા આવે છે.(દરેક જાદૂમંત્રીએ મંત્રીપદ સંભાળતાંની સાથે જ મગલૂ મંત્રી સાથે મુલાકાત કરવાનો રીવાજ છે.જાદૂઈ દુનિયાની ખબર માત્ર અને માત્ર એક જ મગલૂને હોય છે...મગલૂ મંત્રી...!)
આ નવા જાદૂમંત્રી મગલૂ મંત્રીને બાંહેધરી આપે છે કે અમે વોલ્ડેમોર્ટને નાથવા બનતા પ્રયત્નો કરી રહ્યા છીયે...આપ નિશ્ચિંત રહો.ત્યારે મગલૂ મંત્રી બેવકૂફની જેમ પૂછે છે કે તમે બધા તો જાદૂગર છો,છતાં કેમ વોલ્ડેમોર્ટને અટકાવવામાં અને પકડવામાં આટલો સમય લાગી રહ્યો છે?ત્યારે કંટાળેલા જાદૂ મંત્રી માત્ર એટલું જ બોલે છે..."વોલ્ડેમોર્ટ પણ જાદૂ જાણે છે."
સ્પીનર્સ એન્ડ એ જગ્યાનું નામ છે જ્યાં પ્રોફેસર સેવેરસ સ્નેપ રહે છે.નાર્સીસા મેલ્ફોય(ડ્રેકો મેલ્ફોયની મમ્મી-લુસીયસ મેલ્ફોયની પત્ની) અને તેની બહેન બેલાટ્રીક્સ લેસ્ટ્રેન્જ સ્નેપના ઘરે આવે છે.બેલાટ્રીક્સ માત્ર નાર્સીસાને તે સ્નેપ પાસે જે કહેવા માટે આવી છે એ ના કહેવાનું સમજાવતી તેની સાથે આવી છે.સ્નેપ તેને દીઠોય નથી ગમતો.એનું કારણ ફિલ્મમાં જાણવા મળશે.પણ નાર્સીસા સ્નેપને મિત્ર માને છે અને એની પાસે મદદ માગવા આવી છે.એ સ્નેપને કહે છે કે ડ્રેકો આ વર્ષે સ્કૂલમાં કંઈક કામ પાર પાડવાનો છે,જે એના મતે અસંભવ છે.(શું કામ એ ફિલ્મના અંતે જ ખબર પડશે...).તો એ સ્નેપને ડ્રેકોને એ કામમાં મદદ કરવા અને આ દરમ્યાન સ્કૂલમાં ડ્રેકો પર નજર રાખવા(એની રક્ષા માટે...) વિનંતી કરે છે.સ્નેપ હા પાડે છે,પણ બેલાટ્રીક્સ કહે છે એમ કોરી હા તો બધા પાડી શકે...હિંમત હોય તો અતૂટ કસમ(unbreakable vow...જે શું છે એ ફિલ્મમાં ખબર પડશે...)ખાઈને બતાવ...અને બેલાટ્રીક્સની આંખો ફાટી જાય છે જ્યારે સ્નેપ અતૂટ કસમ ખાવા માટે તૈયાર થઈ જાય છે.સ્નેપ અતૂટ કસમ ખાય છે કે તે સ્કૂલમાં ડ્રેકોનું ધ્યાન રાખશે...એને એનું કામ પૂરું કરવામાં બનતી મદદ કરશે...અને જો જરૂર પડશે તો...જો ડ્રેકોથી એ કામ નહીં થાય એવું લાગશે તો...એ કામ પોતે પૂરું કરશે...
ડમ્બલડોર હેરીને તેના અંકલ-આંટી(ડર્સ્લી પરિવાર)ના ઘરે લેવા આવે છે.(જો ફિલ્મમાં આ સીન બતાવશે તો જલસા પડી જશે...ખૂબ કોમેડી સીન છે).એ એમના ઘરે આવે છે અને સાથે હેરી માટે એક સમસ્યા લાવે છે.એ કહે છે કે ગયા વર્ષે સીરીયસનું મંત્રાલયમાં દુ:ખદ મૃત્યુ થવાને કારણે હેરી સીરીયસની સંપત્તીનો સીધો વારસદાર બને છે...પણ એ સંપત્તિમાં ઘરેલુ જિન્ન ક્રીચરનો પણ સમાવેશ થાય છે.પણ સમસ્યા એ છે કે બેલાટ્રીક્સ લેસ્ટ્રેન્જ પણ સીરીયસની દૂરની બહેન થાય,એટલે ડમ્બલડોર માટે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું છે કે સીરીયસનો વારસદાર હેરી છે કે બ્લેક ખાનદાનની પરંપરા મુજબ બેલાટ્રીક્સ...એટલે એ હેરીને એક સરળ પ્રયોગ કરવાનું કહે છે.ક્રીચરને એ ત્યાં બોલાવે છે.(હા...ડર્સ્લી પરિવારના ઘરમાં...જેમણે જીંદગીમાં ક્યારેય હેગ્રીડથી વધુ ભયાનક ચીજ નથી જોઈ...વિચારો એક ઘરેલુ જિન્ન જોઈને એમની શું હાલત થઈ હશે !!!) અને હેરીને કહે છે કે એને કંઈ પણ આદેશ આપ.એની હેરીનો આદેશ પાળવાની અનિચ્છા છતાં જો એને હેરીના આદેશનું પાલન કરવું પડશે તો નક્કી થઈ જશે કે એ હેરીની સંપત્તિ છે અને આમ સીરીયસની બધી સંપત્તિનો હેરી જ વારસદાર છે એ નક્કી થઈ જશે.આખરે ક્રીચરે હેરીના આદેશનું પાલન કર્યું અને આ વાત સાબિત થઈ ગઈ.
ડર્સ્લી પરિવારના ઘરે થી નીકળતાં પહેલાં ડમ્બલડોર એ સૌને પોતાની આગવી અદાથી હેરી સાથે ઓરમાયું વર્તન કરવા માટે ધમકાવે છે.
અને ત્યાંથી નીકળતી વખતે એ હેરીને એક આદેશ આપે છે..."આજ પછી હંમેશા તારા અદ્ર્શ્ય ચોગા(invisibility cloak)ને તારી સાથે જ રાખજે...હંમેશા...કોઈ પણ સંજોગોમાં...!"
અહીં હેરીનું ધ્યાન ડમ્બલડોરના એક હાથ તરફ જાય છે...જે કાળો પડી ગયો છે...જાણે એમના શરીરનો એટલો ભાગ મરી ચૂક્યો છે.એના વિષે પૂછતાં ડમ્બલડોર એનો જવાબ આપવાનું ટાળી દે છે.
ડર્સ્લી પરિવારના ઘરેથી ડમ્બલડોર હેરીને રોનના ઘરે(The Burrow)મૂકવા જતાં પહેલાં હોગ્વર્ટ્સના જૂના ટીચર હોરેસ સ્લગહોર્ન ને ત્યાં લઈ જાય છે.વાત એમ છે કે દર વર્ષની જેમ ફરી આ વખતે હોગ્વર્ટ્સના સ્ટાફમાં એક ટીચર ખૂટે છે.(પહેલા વર્ષમાં ક્વીરેલ,બીજા વર્ષમાં લોકહાર્ટ,ત્રીજા વર્ષમાં લ્યુપીન,ચોથા વર્ષમાં મેડ-આઈ મૂડી અને પાંચમા વર્ષમાં અમ્બ્રીજ અલગ-અલગ કારણોસર સ્કૂલમાંથી જતા રહેલાં...સંયોગ એ હતો કે બધાં જ defence against the dark arts વિષય ભણાવતાં હતાં. :) )માટે આ વખતે નવા ટીચર તરીકે સ્લગહોર્નને મનાવવાના છે.(વોલ્ડેમોર્ટ પાછો આવી ગયો છે એવા સમયમાં હોગ્વર્ટ્સમાં ટીચર તરીકે જોડાવું એટલે ફીનીક્સની ફોજમાં જોડાવા બરાબર જ થયું કહેવાય...જેથી સ્લગહોર્ન આ ઊંમરે વોલ્ડેમોર્ટ સાથે સીધી દુશ્મની નથી કરવા માંગતા.અને એટલે જ હોગ્વર્ટ્સમાં જોડાવા નથી માંગતા.)ડમ્બલડોર એક રહસ્યમય કારણોસર સ્લગહોર્નને સ્કૂલમાં ભણાવવા માટે બોલાવવા કટીબધ્ધ છે...અને એમનું માનવું છે કે એમના મનાવવાથી ના માનેલા સ્લગહોર્ન માત્ર અને માત્ર હેરીથી જ માનશે.
એનું કારણ એટલું જ કે સ્લગહોર્નને ઓળખાણો વધારવાની અને એ ઓળખાણોનો પૂરેપૂરો લાભ ઊઠાવવાની આદત પહેલેથી છે.ભૂતકાળમાં જ્યારે એ હોગ્વર્ટ્સમાં ભણાવતાં ત્યારે એમની "સ્લગ ક્લબ" ખૂબ મશહૂર હતી.એ ક્લબની પાર્ટીઓમાં એ જાણીતા લોકોના સંતાનો(અને હોગ્વર્ટ્સનાં સ્ટુડન્ટ્સ) હોય એવાં વિધ્યાર્થીઓ તેમજ ખૂબ જ તેજસ્વી વિધ્યાર્થીઓને જ બોલાવતા.
એટલે આ વખતે એમને હેરીને ભણાવવાનો મોકો મળશે...જેની સાથેની ઓળખાણનો એમને કેટલો લાભ મળશે એ વિચારે સ્લગહોર્ન હોગ્વર્ટ્સ આવવા તૈયાર થઈ જશે એવું ડમ્બલડોર માને છે.અને થાય છે પણ એવું જ.ખૂબ જ નાટકીય રીતે સ્લગહોર્ન હોગ્વર્ટ્સમાં ભણાવવા માટે તૈયાર થઈ જાય છે.
આ મુલાકાત દરમ્યાન હેરીને એટલું જાણવા મળે છે કે હેરીની માતા(લીલી પોટર) સ્લગહોર્નની ફેવરીટ સ્ટુડન્ટ હતી.
રોનના ઘરે જતાં પહેલાં ડમ્બલડોર હેરીને પાછલા વર્ષોમાં "જરૂરી માહિતી" ના આપવા બદલ એની માફી માંગે છે અને એને જણાવે છે કે આ વર્ષે ડમ્બલડોર પોતે હેરીને ભણાવશે..."શું ભણાવશો??" એવા હેરીના પ્રશ્નનો ઊત્તર આપતાં ડમ્બલડોર કહે છે કે,"બસ...થોડી આડી-અવળી વાતો..." :)
રોનના ઘરે ગયા પછી હેરીને ખબર પડે છે કે હવે રોનનું ઘર જ ફીનીક્સની ફોજનું હેડક્વાટર્સ બની ગયું છે.(જે ગયા વર્ષે સીરીયસનું ઘર હતું...પણ મંત્રાલય હમણાં સીરીયસના ઘરની તલાશી લઈ રહ્યું હોવાથી હવે એ જગ્યા ખાનગી મીટીંગ માટે અસુરક્ષિત છે.)આ સિવાય મંત્રાલય હેરીની સુરક્ષાની પણ પૂરી જવાબદારી લઈ રહ્યું છે.(જે ગયા વર્ષે આનાથી ઊલટું હતું...મંત્રાલયે એને રંજાડવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.).રોનના ઘરે હેરી જવાનો હોવાની મંત્રાલયને જાણ કરવામાં આવેલી જેથી મંત્રાલયે રોનના ઘરને સર્વોચ્ચ સુરક્ષા આપેલી છે.
રોનના ઘરે હેરી રોન,હરમાઈની અને જીનીને મળે છે.આ સિવાય ત્યાં ફ્લર ડેલાકોર નામની અતિસુંદર યુવતી પણ છે,જેના રોનના સૌથી મોટા ભાઈ બિલ સાથે લગ્ન થવાનાં છે.
રોનનાં ઘરે હેરી અને અન્ય લોકોનાં ગયા વર્ષનાં રીઝલ્ટ્સ આવે છે.હેરી અને રોનનું રીઝલ્ટ સારું આવ્યું છે.બંનેને "જાદૂઈ કાઢા(potions)" વિષયમાં "ઠીક(exceeds expectations)" ગ્રેડ મળ્યાં છે,એટલે બંને ખૂબ ખૂશ છે...કારણ કે જાદૂઈ કાઢા વિષયના ટીચર સ્નેપ આવા ગ્રેડ સાથે એમને આ વિષય આ વર્ષે continue નહીં કરવા દે...સ્નેપથી અને જાદૂઈ કાઢાથી છૂટકારાના વિચારે એ બંને ખૂબ ખૂશ થઈ જાય છે.
નવા વર્ષ માટે પુસ્તકો અને અન્ય સામગ્રી લેવા સૌ(રોનનો આખો પરિવાર અને હેરી તથા હરમાઈની) સાથે માટે છૂમંતર ગલીમાં જાય છે.અહીં હેરી...રોન અને હરમાઈની સાથે ડ્રેકો મેલ્ફોયનો પીછો કરે છે અને એને શંકા જાય છે કે મેલ્ફોય આ વર્ષે કંઈ ગડબડ કરવાનો છે.
ટ્રેનમાં સ્લગહોર્ન સ્લગ ક્લબ શરૂ કરી દે છે અને એમાં એમાં હેરીને આમંત્રણ છે.ત્યાંથી પાછા આવતી વખતે હેરી અદ્રશ્ય ચોગાની મદદથી કોઈ જોવે નહીં એ રીતે ડ્રેકોના કંપાર્ટમેન્ટમાં ચોરીથી ઘુસી જાય છે...અને એની વાતો સાંભળે છે...એની શંકા વધુ મજબૂત થાય છે કે નક્કી ડ્રેકો આ વખતે કંઈક મોટી ગડબડ કરવાનો છે.
હોગ્વર્ટ્સ પહોંચીને હેરીને ખબર પડે છે કે સ્નેપથી હજુ એને છૂટકારો નથી મળ્યો.જાદૂઈ કાઢા વિષય જે સ્નેપ ભણાવતો હતો(જેમાં હેરી એકદમ ઠોઠ હતો...સ્નેપના કારણે નહીં...ખરેખર એ વિષય હેરીને પહેલેથી નથી ફાવતો.) એ હવે હોરેસ સ્લગહોર્ન ભણાવશે અને Defence against the dark arts વિષય(જે હેરી એમ માનતો હતો કે સ્લગહોર્ન ભણાવશે...) એ આ વર્ષે સ્નેપ ભણાવશે.
ટૂંકમાં સ્લગહોર્ન તો હેરીને "નાપાસ"ના રીઝલ્ટ સાથે પણ જાદૂઈ કાઢા વિષય continue કરવા જ દેશે...કેમ કે એ તો એમનું આ વખતે હોગ્વર્ટ્સ પાછા આવવાનું "કારણ" છે...અને Defence against the dark arts વિષયમાં તો હેરીને "શ્રેષ્ઠ" રીઝલ્ટ મળ્યું છે...એટલે સ્નેપ અનિચ્છા છતાં હેરીને એ વિષય કંટીન્યુ કરવા જ દેશે...આમ ન તો હેરીને જાદૂઈ કાઢાથી છૂટકારો મળ્યો કે ન તો સ્નેપથી... :)
સ્લગહોર્નના ક્લાસમાં હેરી સ્લગહોર્નને જણાવે છે કે એને નહોતી ખબર કે એ જાદૂઈ કાઢા વિષય ભણાવશે અને સ્નેપ એ વિષય લેવા દેવાના ન્હોતા...એટલે એ આ વખતે જાદૂઈ કાઢા વિષયની પુસ્તક જ નથી ખરીદી લાવ્યો.સ્લગહોર્ન એને ક્લાસના કબાટમાં પડેલી કેટલીક જૂની પુસ્તકોમાંની એક વાપરવા કહે છે.(જ્યાં સુધી હેરી નવી પુસ્તક પોસ્ટ વડે ના મંગાવી લે ત્યાં સુધી જ...).
પણ હેરીનું ધ્યાન જાય છે એ જૂની પુસ્તકમાં લખેલા શોર્ટ કટ્સ અને ક્યારેય ના સાંભળ્યા હોય એવા મંત્રો પર !!!
આ પુસ્તક છેલ્લે જેણે પણ વાપર્યું હતું એણે એમાંના દરેક કાઢા બનાવવાની રીતોના શોર્ટ કટ્સ લખેલા હતા.પોતાના આ પહેલા ક્લાસમાં સ્લગહોર્ન વિધ્યાર્થીઓને એક ચેલેન્જ આપે છે.એ કહે છે કે જે મને આ(કોઈક જાદૂઈ કાઢો) જાદૂઈ કાઢો સૌથી સરસ અને સૌથી ઓછા સમયમાં બનાવીને બતાવશે એને હું એક નાની બોટલ ભરીને "ભાગ્યશાળી કાઢો"(Felix Felicis or Lucky Potion જે પીવાથી તમે થોડા સમય માટે નસીબદાર થઈ જાઓ છો.એ સમય દરમ્યાન તમારી સાથે બધું સારું જ થાય છે...ક્યારેક આખી જીંદગી બદલી નાખે એટલું સારું.) ભેટમાં આપીશ,જે તમને લગભગ ૧૨ કલાક માટે નસીબદાર બનાવશે.
હેરી જુએ છે કે મેલ્ફોય આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો છે.એને એની શંકા યાદ આવે છે અને એ વિચારે છે કે જો મેલ્ફોયને આ કાઢો મળી જાય તો એ જે કામ પૂરું કરવા માગે છે એ આ કાઢાની મદદથી મેળવેલા નસીબના કારણે પૂરું કરવામાં સફળ થઈ જાય,જે એ કદી નહીં થવા દે.હેરી ક્યારેય નહોતું આપ્યું એટલું ધ્યાન પહેલી વાર આ કાઢો બનાવવામાં આપે છે.પણ પુસ્તકની રીતે તો કાઢો બનશે કે કેમ એ પણ એને ખબર નહોતી.(જો કે હરમાઈનીનો કાઢો પુસ્તકની રીતે પણ બની રહ્યો હતો.)છેવટે હેરી પુસ્તકમાં એના છેલ્લા વપરાશકારે લખેલાં શોર્ટ કટ્સ પર ભરોસો કરે છે...અને સૌના આશ્વર્ય વચ્ચે હેરીનો કાઢો જીંદગીમાં પ્રથમ વખત સૌથી પહેલા બની જાય છે...હરમાઈનીથી પણ પહેલાં...(હરમાઈનીનું મોં જોવા જેવું હોય છે...કેમ કે એક તો એને ખબર હતી કે હેરીએ ચીટીંગ કરેલી અને બીજું પહેલા નંબર સિવાયનું કોઈ સ્થાન એણે આજ સુધી જોયું નહોતું. :) )
સ્લગહોર્ન હેરીના પેટ ભરીને વખાણ કરે છે.એનામાં એની માતાના ગુણો પૂરેપૂરા ઊતર્યા છે વગેરે વગેરે...અને હેરીને એ પેલો "ભાગ્યશાળી કાઢો" ભેટ આપે છે.
ક્લાસ પત્યા પછી જ્યારે હેરી એ પૂસ્તકને બરાબર ચકાસે છે ત્યારે એ પૂસ્તકના છેલ્લા પાને એને લખેલું મળે છે:"આ પૂસ્તક Half-blood Princeની મિલકત છે."
આ વર્ષે હેરી,રોન અને હરમાઈનીની કાયદેસરની રોમેન્ટીક લાઈફ શરૂ થાય છે.એના વિષે કંઈ લખવાથી એની મજા બગડી જશે...એ તો ફિલ્મમાં જ જોવાની મજા આવશે.
આ વર્ષે હેરી ક્વિડીચ ટીમનો કેપ્ટન છે.અને આ વખતે રમાયું છે એવું ક્વિડીચ આની પહેલાનાં કોઈ વર્ષોમાં નથી રમાયું.આને ફિલ્મના નિર્દેશક "કોમેડી ક્વિડીચ" કહે છે.આ પણ ફિલ્મમાં જ જોવાની મજા આવશે.
આ બાજુ ડમ્બલડોર સાથેના હેરીના ક્લાસ શરૂ થાય છે,જેમાં ડમ્બલડોર હેરીને એમણે ખૂબ મહેનતથી એકઠી કરેલી અલગ-અલગ લોકોની "યાદો(Memories)" બતાવે છે.ડમ્બલડોર સાથેના દરેક ક્લાસમાં એ હેરીને આવી યાદો બતાવે છે જેમાં વોલ્ડેમોર્ટના ભૂતકાળનાં અંશો છે.અહીં હેરીને વોલ્ડેમોર્ટના જન્મ,એના બાળપણ,એનો કિશોરકાળ(હોગ્વર્ટ્સમાંનું એનું જીવન) વગેરે વિષે જાણવા મળે છે.(આ બધું ડમ્બલડોર હેરીને એટલા માટે બતાવે છે કે વર્ષો પહેલાં હેરીના જન્મ ના થોડા જ સમય પહેલાં હોગ્વર્ટ્સમાં ભણાવવા માટે અરજી કરવા આવેલી પ્રોફેસર ટ્રીલોનીએ એક ભવિષ્યવાણી કરેલી,જેના સરળ અર્થ પ્રમાણે વોલ્ડેમોર્ટને ભારે પડી શકે અને મારી શકે એવો બાળક હેરી છે.એ ભવિષ્યવાણી મુજબ Niether can live while the other survives એટલે કે એક જીવે છે ત્યાં સુધી બીજો નહીં જીવી શકે.એટલે હવે ડમ્બલડોર હેરીને વોલ્ડેમોર્ટના સામના માટે તૈયાર કરવા માગે છે,જેના માટે વોલ્ડેમોર્ટનો ભૂતકાળ જાણવો ખૂબ જ અગત્યનો છે એવું એમનું માનવું છે.).
આ દરમ્યાન હેરી દર વખતે ડમ્બલડોરને એમના કાળા પડી ગયેલા હાથ વિષે પૂછે છે...પણ ડમ્બલડોર હંમેશા "હજુ એ કહેવાનો સમય નથી પાક્યો..." કે "એ બહુ જ રસપ્રદ વાત છે...જે હું તને શાંતિથી કહેવા ઈચ્છું છું" વગેરે જવાબો આપીને ટાળી દે છે.
ડમ્બલડોર હેરીને આ ક્લાસીસ દરમ્યાન જણાવે છે કે એમને લગભગ ખ્યાલ આવી ગયો છે કે જ્યારે વોલ્ડેમોર્ટે વર્ષો પહેલાં હેરીને મારેલો "Abra ka Dabra(મૃત્યુશ્રાપ)" મંત્ર તેની પર જ પાછો પડ્યો , છતાં એ મર્યો કેમ નહીં...પણ આ "લગભગ" ને "નક્કી"માં બદલવા માટે એ હેરીને એક કામ સોંપે છે.એ હેરીને સ્લગહોર્નની એક મેમરી બતાવે છે,જે બહુ જ ખરાબ(ખરાબ એટલે બરાબર જોઈ કે સાંભળી ના શકાય એવી...) છે.એમના મત મુજબ સ્લગહોર્નએ જાણીજોઈને ડમ્બલડોરને પોતાની આ મેમરી "ખરાબ કરીને" આપી છે.ડમ્બલડોર હેરીને કોઈ પણ રીતે આ મેમરી સ્લગહોર્ન પાસેથી એના સાચા સ્વરૂપમાં કઢાવવા કહે છે.
શું છે એ મેમરીમાં?
કેમ ડમ્બલડોર એને એમના કલેક્શનની સૌથી અગત્યની મેમરી માને છે અને એના વગર વોલ્ડેમોર્ટને ખતમ કરવાના વિષયમાં એ આગળ પણ વધી શકે એમ નથી???
કેવી મુશ્કેલીઓથી આ મેમરી હેરી સ્લગહોર્ન પાસેથી કઢાવે છે?
અને...કેવી રીતે આ મેમરી જોયા પછી ડમ્બલડોર પોતાના વોલ્ડેમોર્ટના મૃત્યુ ના થવાના કારણની શંકાને સત્ય પ્રતિપાદિત કરે છે?
અને આખરે શું છે એ કારણ જેના કારણે જેનાથી કોઈ નથી બચી શક્યું(હેરી સિવાય) એવા "મૃત્યુશાપ" થી પણ વોલ્ડેમોર્ટ નહોતો મર્યો?
અને કેવી રીતે એ કારણનો ઊપયોગ ડમ્બલડોર અને હેરી વોલ્ડેમોર્ટને મારવાનો પ્લાન બનાવવામાં કરશે?
અને ડમ્બલડોરના પેલા હાથને આખરે થયું છે શું?કેવી રીતે?
ડ્રેકો મેલ્ફોય ક્યું કામ પાર પાડવાનો છે?
શું એ કામ પાર પાડી શકશે?
જો નહીં પાડી શકે તો શું સ્નેપ મેલ્ફોયની માતાને આપેલા "અતૂટ વચન" પ્રમાણે ડ્રેકોને બદલે એ કામ પૂરું કરશે?
ડમ્બલડોર સાથેના છેલ્લા ક્લાસ પહેલાં હેરીને સ્નેપ વિષે એક એવી વાત જાણવા મળે છે કે એની સ્નેપ પ્રત્યેની નફરત વોલ્ડેમોર્ટ પ્રત્યેની તેની નફરત જેટલી જ વધિ જાય છે.પણ ડમ્બલડોર બધાને કહે છે એમ આ વખતે પણ હેરીને એ જ વાત કહે છે:"મને સેવેરસ સ્નેપ પર પૂરો વિશ્વાસ છે !"
શું વાત જાણવા મળે છે હેરીને સ્નેપ વિષે કે તેની એના પ્રત્યેની નફરત આટલી વધી જાય છે?
અને આખરે આ Half-blood Prince કોણ છે?
એ બધું ફિલ્મમાં જોવાની મજા આવશે...
આ ફિલ્મ ૧૭ july,શુક્રવારે ભારતમાં રીલીઝ થવાની છે.
Enjoy...
------------ નિશીત રાવલ(વિકી)