"સીન્ડરેલા મેન"...એક એવા પુરુષની કથા જેને સંજોગો જાહોજલાલીમાંથી દારુણ ગરીબીમાં પટકી દે છે...એક એવા પુરુષની કથા જે એ ગરીબીમાંય હીંમત હાર્યા વગર પોતાના પરિવાર માટે ઝઝૂમતો રહે છે...એક એવા પુરુષની કથા,જે છેવટે ફિનિક્સની માફક ફરી ઊભો થાય છે,રાખમાંથી !
રસેલ ક્રોના "ગ્લેડીએટર" અને "ધ બ્યુટીફૂલ માઈન્ડ" નામના મૂવીઝ જોયા બાદ મનમાં આ એક્ટર માટે ઘણું જ માન ઉદભવેલું...સીન્ડરેલા મેન જોયા પછી એ માન જાણે કે બમણું થઈ ગયું છે.પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ જતો આ એક્ટર ફિલ્મ જોતી વખતે દર્શકને જાણે કે ભૂલવાડી દે છે કે એ એક કાલ્પનિક ફિલ્મ જોઈ રહ્યો છે...એવી જબરજસ્ત અદાકારી છે એનામાં,કે એનું પાત્ર આપણને કોઈ રીયલ લાઈફ કેરેક્ટર જ લાગે,ફિક્શનલ નહીં !
પ્લોટ :
આ ફિલ્મ "જેમ્સ જે. બ્રેડૉક" કે "જીમી" તરીકે ઓળખાતા એક પ્રસિધ્ધ હેવી વેઈટ બોક્સરની કહાની છે.તમને જણાવી દઊં કે જેમ્સ બ્રેડૉક એ કોઈ કાલ્પનિક પાત્ર નથી.આ જ નામના પ્રસિધ્ધ હેવી વેઈટ બોક્સરની જીવનકથા આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે.૧૯૦૫માં જન્મેલા જેમ્સ બ્રેડૉક વિષે વધુ જાણવા વિકીપીડિયાની આ લિન્ક પર ક્લિક કરો.
જીમી ૧૯૨૯ની સાલ સુધીમાં ખૂબ જ પ્રસિધ્ધ થયેલો અને ફૂલ ફોર્મમાં હતો.પ્રસિધ્ધી,પૈસા અને પરિવાર...બધું જ હતું એની પાસે.એની પ્રેમાળ પત્ની "મે" જો કે જીમીના આ હિંસક વ્યવસાયને નફરત કરતી.પણ થોડા જ સમયમાં યુ એસ તેના પ્રખ્યાત "ગ્રેટ ડીપ્રેશન" માં પ્રવેશે છે.આ સમયગાળા દરમ્યાન જીમીને એક ફાઈટ દરમ્યાન રીંગમાં હાથે ગંભીર ઈજા થવાને કારણે બોક્સીંગ છોડવાની ફરજ પાડવામાં આવે છે.મે માટે આ આનંદ અને સાથે સાથે દુ:ખની પણ વાત છે,કેમ કે એને જેનાથી નફરત હતી,એ બોક્સીંગ તો આ રીતે જીમથી છૂટી ગયું,પણ બોક્સીંગ વગર આ ગ્રેટ ડીપ્રેશનમાં જીમીને બીજે ક્યાંય કામ મળતું નહોતું.છેવટે ઈજાગ્રસ્ત હાથે પણ જીમીને પરિવારને ખવડાવવા માટે મજૂરી કરવી પડે છે.અને એ મજૂરીનું કામ પણ દરરોજ નથી મળતું,ક્યારેક ક્યારેક જ મળે છે.
આવા કપરા સમય દરમ્યાન પણ જીમી જે હિંમત અને ધીરજથી પોતાની જવાબદારીઓને નિભાવે છે,એ ખરેખર કાબિલ-એ-તારીફ છે.પોતાના પુત્રને "વી ડોન્ટ સ્ટીલ" કહીને ચોરેલી વસ્તુ પાછીઆપવાની ફરજ પાડે છે.ગમે તે થાય,પોતાના સંતાનોને પૈસાની અછતને કારણે બીજા પરિવારને ત્યાં ઊછરવા નહીં મોકલે એવી પોતાની પ્રતિજ્ઞા પાળવા જીવનમાં ક્યારેય હાથ ના લંબાવતો જીમી ભખ માંગીને ઘરનાં બિલ ભરે છે અને પોતાના પુત્રને પાછો લઈ આવે છે.ખાવાના ફાંફા..બેઘર થઈ ગયેલો પરિવાર...એક માણસને તૂટવા-હારી જવા માટે પૂરતાં હોય છે...પણ જીમી અડીખમ ઊભો રહે છે,સિધ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર...
છેવટે ઘણાં વર્ષોની હાડમારીઓ પછી,જીમીનો જૂનો મેનેજર અને દોસ્ત એવો "જો" એને એક બોક્સરની ગેરહાજરી પુરવા "માત્ર એક ફાઈટ" અપાવે છે.માત્ર એક ફાઈટ...જાણે કે જીમીને પોતાના વ્યવસાયને બાય બાય કહેવાનો એક સુવર્ણ અવસર મળે છે...અને એ ફાઈટને જીત્યા પછી જીમીની ચડતિની ફરી શરૂઆત થાય છે...અને છેવટે જીમી એ ફાઈટ સુધી પહોંચે છે જેમાં એણે એ વખતના ચેમ્પીયન અને કીલીંગ મશીન ગણાતા "મેક્સ બેર" સામે લડવાનું છે.પણ એ ફાઈટ સુધીમાં જીમી્ની "રેગ્સ ટુ રીચીસ"ની ચર્ચા આખા અમેરીકામાં થવા લાગી હોય છે."ગ્રેટ ડીપ્રશન"માં પટકાયેલા અમેરીકનો જી્મીને પોતાના આદર્શ તરીકે જોવા લાગે છે...જીમી તેમના માટે આ ગ્રેટ ડીપ્રેશનમાથી ઊગરવાની એક આશા જેવો છે,જેની પ્રત્યેક જીત તેમને ઝઝૂમવાનિ અને જીવી જવાની પ્રેરણા આપી રહી હોય છે...
હેવી વેઈટ વર્લ્ડ ચેમ્પીયન "મેક્સ બેર" સામેની ફિલ્મની અંતિમ ફાઈટ રૂવાંડા ઊભા કરી દે એવી છે...પણ છેવટે જીમી મેક્સને હરાવીને ચેમ્પીયન બને છે.
સફળતા અને નિષ્ફળતા વિષે જાણવા કોઈ જ થોથું ખોલવાની જરૂર નથી...બસ એકવાર "સીન્ડરેલા મેન" જોઈ લો...સમજી જશો કે સફળતા કે નિષ્ફળતા-કશું જ કાયમી નથી.મહત્વનું એ છે કે સફળતા-નિષ્ફળતાની આ સાપસીડી જેવી જીંદગી તમે કેવી રીતે જીવી જાણો છો...
No comments:
Post a Comment